Jai Hind

વાંકાનેર સિવિલ હોસ્પિ.માં તબીબ પર હુમલો: કોર્પોરેટરના પુત્ર સહિત બે સામે ગુનો

હુમલાખોરના પિતા વોર્ડનં.6માં બસપામાંથી ચૂંટણી જીત્યા છે
રિફર કરવાની સલાહ આપતા ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી

વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ફરજ પરના તબીબની ફરિયાદને આધારે પોલીસે વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર 6 ના બસપા પક્ષમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરના પુત્ર અમિત સેજપાલ સહિત બે વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, વાંકાનેર સરકારી હોસ્પિટલમાં બોન્ડેડ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપતા 24 વર્ષીય ડો. મોહંમદ અબ્દુલરહીમ વકાલીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ તારીખ 23/09/2026ના રોજ ફરજ પર હાજર હતા. સાંજના આશરે સાતેક વાગ્યે અમૃતલાલ મણીશંકર ઠાકર નામના દર્દી તાવની સારવાર માટે આવ્યા હતા. દર્દીના રિપોર્ટ તપાસતાં તેઓ કેન્સરના દર્દી હોવાનું અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાયું હતું. હોસ્પિટલમાં એમ.ડી. મેડિસીન ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી દર્દીની વધુ યોગ્ય સારવાર માટે તેમને રાજકોટ, મોરબી અથવા ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાની સલાહ આપવામાં આવી હતી. આ બાબતે દર્દીના સગાએ હોસ્પિટલમાં દાખલ કરવા માટે ડોક્ટર સાથે રકઝક કરી હતી અને બાદમાં ત્યાંથી નીકળી ગયા હતા.
ત્યારબાદ રાત્રિના સાડા આઠેક વાગ્યે ડોક્ટર ઓ.પી.ડી.માં હતા ત્યારે અમીત સેજપાલ અને તેની સાથેનો અન્ય એક અજાણ્યો વ્યક્તિ હોસ્પિટલની લોબીમાં આવ્યા હતા. બંને શખ્સોએ ડોક્ટર સાથે ઉદ્ધત વર્તન કરી ‘તું ટ્રીટમેન્ટ કેમ નથી આપતો? એમ.ડી. ડોક્ટરના બહાના કાઢી પેશન્ટને મોકલી આપે છે’ તેમ કહી બોલાચાલી કરી હતી. ડોક્ટરે શાંતિથી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વધુ વિવાદ ન થાય તે માટે ડોક્ટર ઓ.પી.ડી. તરફ જઈ રહ્યા હતા ત્યારે અમીત સેજપાલે તેમના પર હુમલો કરી ગરદનના પાછળના ભાગે થપાટ મારી દીધી હતી. ઘટનાસ્થળે સ્ટાફ દોડી આવતાં બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા અને જતાં જતાં ‘તને જોઈ લઈશ’ તેવી ધમકી આપી હતી.સરકારી ફરજમાં રૂકાવટ કરી, ઝઘડો કરી હુમલો કરવા બદલ ડોક્ટરે અમીત સેજપાલ તથા તેની સાથે આવેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.