લોકજાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા
બોટાદ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા તેમજ નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ આવે તેવા ઉમદા આશય સાથે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય ટ્રાફિક અવેરનેસ બાઇક રેલીનું બોટાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન અને આગેવાની હેઠળ યોજાયેલા આ લોકજાગૃતિ અભિયાનમાં પોલીસ અધિકારીઓ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ્સ તેમજ મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો હેલ્મેટ પહેરીને જોડાયા હતા.
બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમો માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ દરેક વાહનચાલક અને અન્ય માર્ગ વપરાશકારોની સલામતી માટે છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
બાઇક રેલી બોટાદ શહેરના વિવિધ મુખ્ય માર્ગો, ચાર રસ્તાઓ તથા ભીડભાડવાળા વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલી દરમિયાન પોલીસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યોએ પ્લેકાર્ડ્સ, બેનર્સ અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કર્યા હતા. ખાસ કરીને ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ઓવરસ્પીડિંગથી બચવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, હેલ્મેટનો ઉપયોગ કરવો તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી.
આ લોકજાગૃતિ બાઇક રેલીમાં બોટાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આર.ટી.ઓ.ના આર.પી. દાણી, ટ્રાફિક પીએસઆઇ એ.એમ. રાવલ, ટ્રાફિક પોલીસના જવાનો, હોમગાર્ડ્સ તેમજ સ્થાનિક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન જોડાયેલા વાહનચાલકોએ હેલ્મેટ પહેરીને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ આપ્યો હતો.