તાલુકાના 15 ગામો એક વર્ષથી તલાટી મંત્રી વગરના: જનતાના સરકારી કામો અટકી પડયા: ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલીક ભરવા લોકમાંગ
72 ગામો ધરાવતા તાલુકામાં છેલ્લા એક વર્ષથી તાલુકા પંચાયતનું મકાન પડું પડું હાલતમાં છે, અડધા નળિયા ઉડી ગયા છે, અગાઉના વરસાદમાં મોટાભાગની ફાઇલો પાણીમાં બગડી ગઈ હતી, હાલ શિક્ષણ વિભાગને કુમાર શાળા નંબર એકમાં બેસવું પડે છે, નવી બિલ્ડીંગની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી.
તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીની બે જગ્યા, સહકાર વિસ્તરણ અધિકારીની એક જગ્યા, એડિશનલ બાંધકામ એન્જિનિયરની એક જગ્યા, સાત ક્લાર્ક અને બે જુનિયર ક્લાર્ક મળી કુલ નવ જેટલા ક્લાર્કની જગ્યાઓ છેલ્લા એક વર્ષથી ખાલી પડી છે, ત્રણ વિસ્તરણ અધિકારીઓ અને બાંધકામ સુપરવાઇઝરની જગ્યા પણ ખાલી છે, તમામ જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવી રહી છે, તેથી સામાન્ય કામો પણ થતા નથી અને લોકોને ભારે હાલાકી પડી રહી છે.
સૌથી ગંભીર બાબત એ છે કે સૌથી મોટા અને ત્રણ હજારથી પાંચ હજારની વસ્તી ધરાવતા 15 ગામોમાં છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયતમાં મંત્રી નથી, જેમાં બાબરીયાધાર, કોવાયા, મોરંગી, કાતર સોતરા ગ્રુપ, ભાક્ષી ભંડારીયા, બાલાપર સાપર, નિંગાળા પીપાવાવ, બારપટોળી નવી જૂની, ખાંભલીયા, કુંભારીયા, ખારી નવાગામ, નાના મોટા મોઢવાડા રામપરા અને મહુડા સહિત 15 ગામોનો સમાવેશ થાય છે.
મંત્રી ન હોવાથી લોકોને કેટલી તકલીફ પડે છે તે સમજવું જરૂરી છે, ગામમાં મંત્રી એ પાયાની જરૂરિયાત છે, જન્મ અને મરણના દાખલા મંત્રી જ કાઢે છે, આવકના દાખલા, જાતિના દાખલા, ક્રિમીલેયરના દાખલા, રહેઠાણના દાખલા મંત્રીની સહીથી જ નીકળે છે, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને પ્રવેશ માટે આ દાખલા જરૂરી હોય છે, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, વ્હાલી દીકરી યોજના, આવાસ યોજના, શૌચાલય યોજના જેવી તમામ સરકારી યોજનાઓના ઓનલાઇન ફોર્મ મંત્રી જ ભરે છે, ગ્રામ પંચાયતના ઠરાવો, બાંધકામની પરવાનગી, મનરેગાના જોબકાર્ડ, વેરા વસુલાત અને ઓનલાઇન તમામ કામગીરી મંત્રીના હસ્તક હોય છે.
એક મંત્રીને ત્રણ ત્રણ ગામનો ચાર્જ અપાયો હોવાથી તે કોઈ એક ગામમાં મળતો નથી, લોકોને એક ગામથી બીજા ગામ ધક્કા ખાવા પડે છે, વાવાઝોડા કે ભારે વરસાદ વખતે સરકારનો હુકમ હોય છે કે મંત્રીએ ગામમાં જ રહેવું, પણ ગામમાં મંત્રી જ ન હોય તો વહીવટ કેવી રીતે થાય, સરપંચો પણ લાચાર બન્યા છે કારણ કે રેકોર્ડ અને ઓનલાઇન પાસવર્ડ મંત્રી પાસે હોય છે.
તેથી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગણી છે કે સરકાર સેવા સેતુ અને લોક દરબાર જેવા કાર્યક્રમો કરે છે પણ પાયાની જરૂરિયાત એવા મંત્રીની જગ્યા તાત્કાલિક ભરે, આને ખાસ કિસ્સા તરીકે ગણી વિકાસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને મહેસૂલ વિભાગ તાત્કાલિક આ 15 ગામોમાં કાયમી મંત્રી મુકે, તાલુકા પંચાયતમાં ખાલી પડેલી ક્લાર્ક, વિસ્તરણ અધિકારી અને બાંધકામ સુપરવાઇઝરની જગ્યાઓ ભરે અને તાલુકા પંચાયત બિલ્ડીંગનું કામ તાત્કાલિક શરૂ કરાવે.
આ 15 મંત્રીની જગ્યા ભરવામાં આવે તો 50 જેટલા ખેડૂતો પરિવાર ની કામગીરી ઝડપી થઈ શકે અને સરકાર પણ નવી નવી યોજનાઓ લાવે છે ત્યારે પ્રાથમિક જરૂરિયાત મંત્રીની જ હોય છે તો મંત્રી પુરવામાં આવે તેવી રાજુલા તાલુકાની માંગણી અને લાગણી છે તાલુકા પંચાયતને ત્રણ વર્ષ થયા છતાં હજી સુધી કોઈ ટેન્ડર ના ઠેકાણા નથી ત્રણ કરોડ 80 લાખ ધારાસભ્ય દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે હવે ટેન્ડર બહાર પડે તો કર્મચારીઓને તેમજ તાલુકામાં જોવા આવવાની મુશ્કેલી પડે નહીં તાલુકા પંચાયત ગમે ત્યારે પડે તેમ છે પણ હજી સુધી ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી.
