રાજુલાના મોટા આગરિયામાં જ પશુઓનું સિંહોએ મારણ કર્યું

રાજુલા પંથકમાં સિંહોનો આતંક

નાની ખેરાળીમાં 3 સિંહો ઘુસ્યા પણ પશુઓએ પ્રતિકાર કરતા શિકારનો પ્રયાસ નિષ્ફળ

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના આંટાફેરા વધતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા તાલુકાના મોટા આગરીયા અને નાની ખેરાળી ગામમાં સિંહો દ્વારા શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. રાજુલાના મોટા આગરીયા ગામમાં ગત રાત્રિના સમયે શિકારની શોધમાં એકસાથે 4 સિંહો આવી ચડ્યા હતા. ગામની શેરીઓમાં સિંહોએ લટાર મારી એક પશુનું મારણ કર્યું હતું. અને સિંહોએ મારણ કર્યા બાદ ત્યાંજ મિજબાની માણી હતી. સિંહોના શિકારની સમગ્ર ઘટના સ્થાનિક રહીશોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. મોટા આગરીયાની ઘટના બાદ નાની ખેરાળી ગામે પણ મોડી રાત્રે શિકારની શોધમાં 3 સિંહો ઘૂસી આવ્યા હતા. ગામમાં આંટાફેરા દરમિયાન સિંહોએ એક પશુ પર હુમલો કરી તેનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પશુએ હિંમત દાખવી સિંહોની સામે પ્રતિકાર કર્યો હતો જેના કારણે સિંહોનો શિકાર કરવાનો આ પ્રયાસ આખરે નિષ્ફળ રહ્યો હતો. સિંહોની આ લટાર ગામમાં લગાવેલા બે અલગ-અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નાની ખેરાળી ગામના આગેવાન જે.ડી.ભાઇ કાછડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં આવી ચડતા હતા જેના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ