બે દિવસથી પંથકમાં ભયનો માહોલ: દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકયાડી ગામે બે દિવસ અગાઉ 6 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને આખરે વન વિભાગે પાંજરે પૂરી પાડ્યો છે. બાળકી પર થયેલા જીવલેણ હુમલાના બનાવથી સમગ્ર ડેડકયાડી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર અને ભયનો માહોલ સર્જાયો હતો.
બનાવ બાદ ગ્રામજનોમાં દીપડાનો ભય ફેલાયો હતો અને લોકોમાં રોષ સાથે સુરક્ષાની ચિંતા જોવા મળી હતી. ગ્રામજનો દ્વારા દીપડાને વહેલી તકે પકડવા તેમજ વિસ્તારમાં વન વિભાગની ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. દીપડાની અવરજવર રહેતી હોવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. સાથે જ વન વિભાગની ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી.
સતત મોનિટરિંગ અને કામગીરી વચ્ચે આજે વહેલી સવારે આદમખોર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પકડાઈ જતાં ડેડકયાડી ગામના ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
દીપડો પકડાયા બાદ વન વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીપડાને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવા સહિતની આગળની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
માસૂમ બાળકીના મોત બાદ જે ભયનો માહોલ સર્જાયો હતો તેમાં દીપડો પકડાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે. જોકે, ગ્રામજનો દ્વારા આસપાસના વિસ્તારમાં હજુ પણ વન વિભાગ દ્વારા તકેદારી અને પેટ્રોલિંગ યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
