દ્વારકા પાસે સવા લાખના કોપર વાયરની ચોરી: સલાયામાં મિત્રનું બાઇક લઇ રફુચક્કર
દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા ડેપાભા વિસાભા સુમણીયા તેમનું જી.જે. 37 આર. 2469 નંબરના મોટરસાયકલ પર બેસીને ગત તારીખ 13 સપ્ટેમ્બરના રોજ નાગેશ્વર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે નંદી નિવાસ ગૌશાળા પાસે પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા આ મોટરસાયકલ આડે ભેંસ ઉતરતા બાઈકના ચાલક ડેપાભા સુમણીયાનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે સાદુલભા ડેપાભા સુમણીયા (ઉ.વ. 35, રહે. કલ્યાણપુર, તા. દ્વારકા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક બાઈક ચાલક વિરુધ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, પી.એસ.આઈ. ગોહિલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગઢેચીના પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો
મીઠાપુર તાબેના ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા અને પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા દોલુભા ભીખાભા સુમણીયા નામના 57 વર્ષના પ્રૌઢ ગઈકાલે ગુરુવારે સાંજના સમયે તેમના ઘરે બેઠા હતા, ત્યારે તેમને એકાએક હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જામ મૃતકના પુત્ર સુનિલભા સુમણીયાએ મીઠાપુર પોલીસને કરી છે.
મિત્રનું બાઈક લઈને રફુચક્કર
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હમીદભાઈ ઉમરભાઈ ગંઢાર નામના 36 વર્ષના મુસ્લિમ યુવાનના મિત્ર રમેશ ભીમજીભાઈ પારીયા (રહે. ડિફેન્સ કોલોની, જામનગર) એ ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ તેમની પાસે આવીને કહેલ કે “મારે થોડી વાર માટે તમારી ગાડીની જરૂરત છે. મને તમારી મોટરસાયકલ આપો. હું થોડીવારમાં મારું કામ પૂરું કરીને તમને તમારી મોટરસાયકલ પાછી આપી જઈશ” તેમ કહેતા ફરિયાદી હમીદભાઈ ગંઢારએ તેમની પાસે રહેલું તેમના મિત્ર પ્રવીણભાઈનું જી.જે. 37 એલ. 5581 નંબરનું મોટરસાયકલ આપ્યું હતું.
આ પછી આરોપી રમેશ પારીયા પરત ન આવતા તેમણે જામનગર ખાતે આરોપીના ઘરે તપાસ કરી હતી. જ્યાં તેઓ મળી આવ્યા ન હતા. એટલું નહીં, તેમનો મોબાઈલ ફોન પણ લાગતો ન હતો. આમ, મિત્ર દ્વારા રૂ. 20,000 ની કિંમતનું મોટરસાયકલ વાપરવા નું કહીને લઈ ગયા બાદ પરત ન ફરતા આ મામલે સલાયા મરીન પોલીસે આરોપી સામે વિશ્વાસઘાત કરવા સબબ ગુનો નોંધ્યો છે.
દ્વારકા નજીક રૂપિયા સવા લાખના કોપર વાયરની ચોરી
દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર બરડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળામાં સુઝલોન કંપનીના અલગ અલગ પવનચક્કીઓના જનરેટર સેટમાં રાખવામાં આવેલો આશરે 50 મીટરનો અર્થીંગ કોપર વાયર ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ પ્રકરણ સંદર્ભે મૂળ જામનગરના રહીશ અને સુઝલોન કંપનીના સિક્યુરિટી પેટ્રોલિંગ કોન્ટ્રાક્ટર કિરણભાઈ રાણાભાઈ નંદાણીયા (ઉ.વ. 52) દ્વારા રૂ. 1,20,000 ની કિંમતનો આશરે 100 કિલોગ્રામ જેટલો કોપર વાયર ચોરી થવા સબબ અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
