300થી વધુ વિદ્યાર્થીઓએ ગણપતિદાદાના આકારમાં બેસીને આકાર આપ્યો
હાલમાં ચાલી રહેલા ગણપતિ ઉત્સવ દરમિયાન સમગ્ર પંથકમાં ગણપતિદાદાની ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર ગણપતિદાદાની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર નજીક લિંબડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ-કરમડ ખાતે ગણપતિ ઉત્સવને અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુરુકુલના 300થી વધુ વિદ્યાર્થીઓને ગણપતિદાદાના આકારમાં બેસાડીને વિશાળ માનવ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
શ્રીજી વિદ્યાધામ ગુરુકુલના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓને ચોક્કસ આયોજન અને વ્યવસ્થા સાથે ગણપતિદાદાના વિવિધ અંગોના આકારમાં બેસાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સામૂહિક રચનાત્મકતા, એકતા અને શિસ્તના સુંદર સમન્વયથી તૈયાર થયેલી આ વિશાળ ગણપતિદાદાની માનવ મૂર્તિ આશરે 100 ફૂટ લાંબી અને 60 ફૂટ પહોળી હતી. દૂરથી નિહાળતા ગણપતિદાદાનું આ વિશાળ સ્વરૂપ ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગણપતિ ઉત્સવ દરમિયાન કરવામાં આવેલી આ અનોખી પહેલ દ્વારા વિદ્યાર્થીઓએ ગણપતિદાદા પ્રત્યેની પોતાની ભક્તિ સાથે પોતાની સર્જનાત્મકતા પણ રજૂ કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકસાથે ચોક્કસ આકારમાં બેસીને ગણપતિદાદાની વિશાળ માનવ મૂર્તિનું નિર્માણ કરે તે માટે ગુરુકુલના શિક્ષકો દ્વારા આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રીજી વિદ્યાધામ ગુરુકુલના પરમ પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીના આશીર્વાદ તથા આચાર્ય શ્રી ક્રિષ્નાભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિદાદાની વિશાળ માનવ મૂર્તિ સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ગુરુકુલના વિદ્યાર્થીઓની આ અનોખી રજૂઆતને નિહાળનાર સૌ કોઈએ તેની પ્રશંસા કરી હતી..
