વીરપુરમાં પીજીવીસીએલ કચેરીના પ્રાંગણમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ

આગેવાનો, કર્મચારીઓ,ગ્રામજનોની હાજરીમાં વિવિધ વૃક્ષોનું વાવેતર

પીજીવીસીએલ દ્વારા તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વીરપુર પેટા વિભાગીય કચેરી દ્વારા પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વીરપુર સ્થિત ફોલ્ટ કચેરીના પ્રાંગણમાં યોજાયેલા આ પ્રકૃતિમય કાર્યક્રમમાં વિવિધ ઉપયોગી વૃક્ષોના રોપાનું વાવેતર કરી તેમના ઉછેરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં રાજકોટ દૂધ ડેરી સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ ગાજીપરા, પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, તાલુકા પંચાયત સભ્યો રમેશભાઈ કોઠારી અને રમેશભાઈ શેખ, તેમજ હરીભાઈ વેકરિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચેરીના પ્રાંગણમાં વૃક્ષોના રોપા વાવી પર્યાવરણને શુદ્ધ, સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. માત્ર વૃક્ષારોપણ પૂરતું નહીં પરંતુ વાવેલા વૃક્ષોના જતન અને ઉછેરની જવાબદારી નિભાવવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. પીજીવીસીએલના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ઉજાગર કરતું આ આયોજન સ્થાનિક સ્તરે પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રેરણારૂપ બન્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે પેટા વિભાગીય કચેરી વીરપુરના નાયબ ઇજનેર એસ.જે. મકવાણા, જુનિયર ઇજનેર વી.એલ. ડામોર, નાયબ અધિક્ષક ડી.કે. પ્રધાન સહિત વીરપુર સબ ડિવિઝનના ટેકનિકલ કર્મચારીઓએ ઉપસ્થિત રહી આયોજનમાં સહયોગ આપ્યો હતો. પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પર્યાવરણ જતનના હેતુસર હાથ ધરાયેલી આ કામગીરીની ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ સરાહના કરી હતી.

રિલેટેડ ન્યૂઝ