સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિલ્લા પોલીસ હેડક્વાર્ટર, શરુ સેક્શન રોડ, જામનગર ખાતેથી માર્ગ સલામતી જાગૃતિ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેકટર પી.બી.પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, અગ્રણીઓ બિનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આર.જે.ચૌધરી,કોર્પોરેટર ઓ, સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ કરી બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મહાનુભાવોએ પણ બાઈક ચલાવી માર્ગ સલામતીના નિયમો અંગે જનજાગૃતિ ફેલાવી હતી.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવાનો હતો. રેલી દરમિયાન ડ્રાઇવ ફર્સ્ટ, રિપ્લાય લેટર, લાઈફ મેટર મોર ધેન અ મેસેજ જેવા સંદેશ આપવામાં આવ્યા હતા.
પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રસ્થાન થયેલ રેલી સંતોષી માતા મંદિર, સાત રસ્તા સર્કલ, લાલ બંગલો સર્કલ, ટાઉનહોલ, તીનબત્તી, એસપી બંગલો, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડીકેવી સર્કલ, પંચવટી, જિલ્લા સેવા સદન થઈ પોલીસ હેડ ક્વાર્ટર પરત ફરી હતી.
તકે હેલ્મેટ પહેરો-જીવન બચાવો, ડ્રાઈવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ ન કરો, સીટ બેલ્ટ પહેરો જેવા માર્ગ સલામતીના નિયમો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે રાહવીર યોજના અંતર્ગત 4 વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવનારને સરકાર દ્વારા રાહવીર યોજના હેઠળ ₹25,000 સુધીનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
રેલીમાં પોલીસ, આરટીઓ, જીએસઆરટીસી, ટીઆરબીના જવાનો અને પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે જોડાયા હતા. કાર્યક્રમમાં સૌએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે શપથ લીધા હતા.
