ડોક્ટર સામે બેદરકારીની ફરિયાદ નોંધાવવા જ્ઞાતિના આગેવાનો પહોચ્યાં પોલીસ સ્ટેશન
કેશોદની જીવનદીપ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમ્યાન મહિલાનું મોત મામલો ગરમાયો છે, તથા મૃતકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ડોક્ટર સામે બેદરકારીની ફરિયાદ નોંધવા અરજી આપી રજૂઆત કરી હતી.
કેશોદના ગંગનાથ પરા વિસ્તારમાં રહેતા ફરીયાદી યોગેશભાઈ લખમણભાઈ બાલસ એ કેશોદ પોલીસ સ્ટેશનમાં જીવનદીપ હોસ્પિટલના ડો. વિકાસ ગોહેલ વિરુદ્ધ બેદરકારીથી મોત નિપજાવવા અંગે ફરિયાદ રજીસ્ટર કરવા માટે લેખિત અરજી આપી છે. જેમાં જણાવ્યુંછે કે, યોગેશભાઈ બાલશના લગ્ન 2017 માં ભાવિશાબેન સાથે થયેલા હતા. તેમને બે દીકરીઓ છે. ત્રીજા સંતાનનો જન્મ તા. 20/08/2026 ના રોજ થવાનો હતો. પત્ની ભાવિશાબેનને પ્રેગ્નન્સી દરમ્યાન દર મહિને કેશોદની જીવનદીપ હોસ્પિટલમાં ડો. વિકાસ ગોહેલ પાસે મેડિકલ ચેકઅપ કરાવતા હતા. તા. 20/08/2026 ના રોજ ફૂલ ટાઈમ ડિલિવરી અને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓ હોસ્પિટલ ગયા હતા. ડોક્ટરે નોર્મલ ડિલિવરી થશે અને 3 થી 6 કલાક લાગશે તેમ કહી સવારે 10:30 કલાકે દર્દી તરીકે દાખલ કર્યા હતા. બપોરે 12:00 વાગ્યે ડોક્ટરે તપાસી હતી.
યોગેશભાઈ બાલશ ના આક્ષેપ મુજબ બપોરે 2:30 કલાકે અસહ્ય પીડા ઉપડતા નર્સિંગ સ્ટાફે ડોક્ટરને ફોન કર્યો, પરંતુ ડોક્ટર હાજર થયા નહીં. અન્ય હોસ્પિટલમાં જવાની વાત કરતા સ્ટાફે નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ કહ્યું. ત્યારબાદ ફરજ પરના નર્સિંગ સ્ટાફે બેડ ઉપર જ ડિલિવરી કરાવી બાળકનો જન્મ થયો, જે હાલ સારવાર હેઠળ છે. અને ડિલિવરી બાદ પત્નીને મૃત જાહેર કરાયા હતા. ત્યારબાદ ડોક્ટર તાબડતોબ આવી ગયા હતા અને કોઈ રજુઆત સાંભળી ન હતી અને મૃતદેહ ઝડપથી લઈ જવા જણાવ્યું હતું અને સારવારની ફાઈલ આપી ન હતી તેવો પણ આક્ષેપ છે.
આ સાથે પ્રસૂતિ સમય દરમ્યાન ડોક્ટર હાજર રહ્યા ન હતા, ઓક્સિજન, પીડા ન થાય તે માટેની દવાઓ વગેરે જેવી તકેદારી રાખી ન હતી અને બિનઅનુભવી સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવી મોતના મુખમાં ધકેલી દીધા હોવાનો આક્ષેપ કરી, હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસી ભારતીય ન્યાય સંહિતા (ઇ.ગ.જ.) કલમ 106 મુજબ મેડિકલ બેદરકારીથી મોત ની કલમ હેઠળ ફરિયાદ રજીસ્ટર કરી, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને જાણ કરવા અને કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. બીજી બાજુ કેશોદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં રજુઆત બાદ કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ડી ચોધરી દ્વારા નિષ્ઠાપૂર્વક તપાસ કરવાની ખાત્રી આપી છે.
આ અંગે મૃતક ભાવિશાબેન યોગેશભાઈ બાલશ ના પરિવારજનો દ્વારા ડીવાયએસપી કેશોદ, ડીએસપી જુનાગઢ, ગૃહમંત્રી ગુજરાત, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય કેશોદને પણ રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
