પોલીસે કારચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. વીરપુરના મીનળવાવ ચોક વિસ્તારમાં રમી રહેલા અઢી વર્ષના માસૂમ બાળક પર એક બેફામ કાર ફરી વળતાં બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે બાળકના પિતાએ વીરપુર પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૂળ આદિવાસી અને હાલ વીરપુરમાં પોલીસ સ્ટેશન સામે ઝુંપડામાં રહેતા અને મજૂરી તથા શાકભાજીનો વેપાર કરતા મેહુલભાઈ ભુરાભાઈ રાઠવા ગત તારીખ 26 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે બેઠા હતા. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં મેહુલભાઈ લઘુશંકા માટે ગયા હતા અને તેમનો અઢી વર્ષનો દીકરો મીહીત તેની માતા પુષ્પાબેન પાસે રમી રહ્યો હતો. તે જ સમયે જીજે-01-એચએસ-6566 નંબરની ટોયોટા કારના ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવીને માસૂમ મીહીત પર ચડાવી દીધી હતી. મીહીત કારના ટાયર નીચે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને કારચાલક પણ ત્યાં જ ઉભો હતો. કાર ચલાવનાર વ્યક્તિને નામ પૂછતાં તેણે પોતાનું નામ દીપેશભાઈ (રહે. ઉપલેટા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકને તે જ કારમાં બેસાડીને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંના તબીબે વધુ સારવાર માટે ગોંડલની ક્રિષ્ના હોસ્પિટલ અને ત્યારબાદ ત્યાંથી સિવિલ હોસ્પિટલ, ગોંડલ ખાતે રિફર કર્યા હતા. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે માસૂમ મીહીતને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ ગોંડલ સિવિલમાં બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃતક બાળકના પિતા મેહુલભાઈએ વીરપુર પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના રહેવાસી એવા કારચાલક દીપેશભાઈ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ બેદરકારીથી વાહન ચલાવીને અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
