ભાદરવી પૂનમે દ્વારકામાં ભક્તોનું ઘોેડાપુર ઉમટ્યું : દર્શનાર્થીની કતારો લાગી

ગોમતી ઘાટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી પૂણ્યનું ભાથુ બાંધ્યું

યાત્રાધામ દ્વારકામાં ભાદરવી પૂર્ણિમાના પવિત્ર પર્વે વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં સ્વર્ગદ્વાર, છપ્પન સીડીથી લઈને સુદામા સેતુ સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે સમગ્ર દ્વારકા ધામમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો. જગતમંદિરમાં ભાદરવી પૂર્ણિમા નિમિતે સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રાખવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભાવિકોની અવરજવર શરૂ થઈ હતી અને દર્શન સમય પૂર્ણ થાય ત્યાં સુધી ભક્તોની સતત ભીડ જળવાઈ રહી હતી. ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દ્વારકા જગતમંદિર પરિસરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ પર તૈનાત રહ્યા હતા. દર્શનાર્થીઓની અવરજવર સુચારૂ રહે તેમજ ભીડનું વ્યવસ્થિત સંચાલન થાય તે માટે પોલીસ ટીમો દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી. ભાદરવા સુદ પૂર્ણિમા સાથે શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થતાં પવિત્ર ગોમતી નદીના કાંઠે પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ચહલપહલ જોવા મળી હતી. ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કરી ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ છપ્પન સીડીના સ્વર્ગદ્વારેથી જગતમંદિરમાં પ્રવેશ કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. શ્રાદ્ધપક્ષ શરૂ થતાં પિતૃતર્પણ સહિતની ધાર્મિક વિધિઓ માટે બહારગામથી આવતા ભાવિકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. ભાદરવી પૂનમના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી ધાર્મિક પરંપરા મુજબ પુણ્યલાભ મેળવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ