લીલોછમ કપાસ જોતજોતામાં સુકાઈ રહ્યો છે મોંઘા ખેડાણથી માંડી બિયારણ, ખાતર અને દવાના ખર્ચે ખેડૂતોની કમર તૂટી
પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે સરકાર પાસે તાત્કાલિક સર્વે અને સહાયની માંગ
ઉના તાલુકાના ગરાળ પંથકમાં ચાલુ ખરીફ સીઝનમાં કપાસના પાક પર રાતડ નામના રોગની આફત તૂટી પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ પંથકના અનેક ગામોમાં કપાસના ઉભા પાકમાં રોગચાળો જોવા મળતાં શરૂઆતમાં લીલોછમ દેખાતો પાક હવે ધીમે ધીમે પીળો પડી સુકાવા લાગ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અનેક ખેતરોમાં કપાસના છોડ નબળા પડી જતાં ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ ઊભી થઈ છે. એક તરફ કુદરતીઅને ખેતીખર્ચના વધતાબોજ વચ્ચે ખેડૂતોએ પાક પાસેથી આશા રાખી હતી, ત્યાં રોગચાળાએ ખેડૂતોની આર્થિક ગણતરી જ ખોરવી નાખી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર કરતા પહેલા ખેતરોમાં મોંઘા ભાવે ટ્રેક્ટર દ્વારા ખેડાણ કરાવવામાં આવ્યું હતું. જમીન તૈયાર કર્યા બાદ મોંઘા ભાવે બિયારણ ખરીદી કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાવેતર બાદ પાકની વૃદ્ધિ સારી થાય અને ઉત્પાદન વધુ મળે તે આશાએ ખેડૂતો દ્વારા ખાતર, દવા ઓ અને અન્ય કૃષિ ઇનપુટ્સ પાછળ પણનોંધપાત્રખર્ચ કરવામાંઆવ્યો હતો.ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં પહેલે થી જ બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ટ્રેક્ટર તથા સિંચાઈ સહિતના ખર્ચ સતત વધી રહ્યા છે. આવા સંજોગોમાં કપાસનો પાક નિષ્ફળ જાય તો માત્ર ઉત્પાદન ની આવક જ ગુમાવવાની નહીં, પરંતુ ખેતરમાં કરેલો મૂળ ખર્ચ પણ પરત મળવાની શક્યતા રહેતી નથી. કપાસના પાકમાં રોગના લક્ષણો દેખાતા ખેડૂતો દ્વારા પોતાના સ્તરે વિવિધ દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કેટલાકખેડૂતોએવારંવારમોંઘી દવાઓનો ઉપયોગ કર્યો હોવા છતાં પાકમાં સુધારો ન થતાં મુશ્કેલી વધી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ દવા, ખાતર અને મજૂરી પાછળ વધારાનો ખર્ચ કર્યા બાદ પણ રોગ કાબૂમાં ન આવતા હવે પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોમાં એવી પણ ચિંતા છે કે જો રોગ વધુ વિસ્તાર માં ફેલાશે તો કપાસના ઉત્પાદનને મોટું નુકસાન થઈ શકે છે. હાલ અનેક ખેતરોમાં છોડની સ્થિતિ નબળી બનતી જતાં આગામી દિવસોમાં ઉત્પાદન કેટલું થશે તે અંગે પણ અનિશ્ચિતતા ઊભી થઈ છે.ખેડૂતોએપોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ખેતી માટે અગાઉ થી નાણાંનું આયોજન કરી બિયારણ, ખાતર અને દવા ઓ ખરીદવામાં આવી હતી. કેટલાક ખેડૂતોને ખેતીનો ખર્ચ ઉઠાવવા માટે ઉધાર કે વ્યાજે નાણાં લેવાની ફરજ પડી છે.હવે પાકમાં રોગચાળો ફાટી નીકળતાં જો ઉત્પાદન ન મળે તો દેવું ચૂકવવું પણ મુશ્કેલ બની શકે છે.
ગરાળ પંથકના ખેડૂતો આશાભરી નજરે તંત્ર તરફ પણ મીટ માંડી રહ્યા છે
કપાસના પાકમાં ફેલાયેલા રોગનું તાત્કાલિક નિદાન, નિષ્ણાતોની મુલાકાત,નુકસાનનો સર્વે અને પાત્ર ખેડૂતોને સહાય સાથે સર્વે અંગે ઝડપી પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ છે. રોગચાળો સમયસર કાબૂ માં ન આવે તો આગામી દિવસોમાં કપાસના ઉત્પાદન પર તેની મોટી અસર પડવાની ભીતિ વચ્ચે જગતનો તાત આર્થિક નુકસાનમાંથી કેવી રીતે બહાર આવશે તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે.
ખેતરમાં મોંઘા ભાવે ખેડાણ કરાવ્યું: ખેડૂત
બિયારણ નાખ્યું, ખાતર અને દવા પાછળ પણ ખર્ચ કર્યો. કપાસનો પાક સારો થશે તેવી આશા હતી, પરંતુ હવે છોડ સુકાઈ રહ્યા છે. મહેનત અને મજૂરીના પૈસા તો ઠીક, પરંતુખેતીમાં કરેલો મૂળ ખર્ચ પણ પાછો મળશે કે નહીં તેની ચિંતા છે.ગરાળ પંથકના ખેડૂતોનું કહેવું છે કે ખેતીમાં નુકસાન થાય ત્યારે નાના અને મધ્યમ ખેડૂતો ની આર્થિક સ્થિતિ સૌથી વધુ કથળે છે. એક પાક નિષ્ફળ જવાથી આગામી સીઝનની ખેતી માટે નાણાંની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ઉધાર નાણાં લઈને ખેતી કરનારા ખેડૂતોપરબેવડોબોજ આવી શકે છે.
અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે
કપાસના પાકમાં જોવા મળી રહેલા રોગ અંગે કૃષિ નિષ્ણાતોની ટીમ દ્વારા ખેતરોની મુલાકાત લઈ રોગનું ચોક્કસકારણ નુકસાનની ગંભીરતા પાક બચાવવાના વૈજ્ઞાનિક ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવે. માત્ર કાગળ પરનો સર્વે નહીં પરંતુ ખેતર-ખેતરની વાસ્તવિક સ્થિતિના આધારે નુકસાનનું મૂલ્યાંકન થવું જોઈએ. રોગના કારણે ઉત્પાદન ઘટે અથવા પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તો સરકાર દ્વારા નિયમો મુજબ રાહત-સહાયનો લાભ ખેડૂતોને મળે તેવી પણ માંગ ઉઠી છે.
