અબોલ જીવની વહારે આવી ભાણવડ એનિમલ લવર્સની ટીમ
ખંભાળિયાના ભાણખોખરી ગામના વાડી વિસ્તારમાંથી માતા વિહોણું અને તાજું જન્મેલું નીલગાયનું બચ્ચું રસ્તે રઝળતી હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિક રહીશે આ અનાથ બચ્ચાને પોતાની વાડીમાં રાખી એક દિવસ સુધી તેની માતાની શોધખોળ કરી સેવા-ચાકરી કરી હતી. પરંતુ માતાનો કોઈ પત્તો ન લાગતાં, તેમણે આ અંગે ભાણવડના જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટનો સંપર્ક સાધ્યો હતો. બનાવની ગંભીરતા સમજી ’એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ની ટીમ તુરંત એનિમલ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ બાદ બચ્ચાને તાત્કાલિક શિવ બળદ આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને ભૂખ્યા બચ્ચા માટે ગાયના દૂધની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ વન વિભાગના માર્ગદર્શન હેઠળ આ નાનકડા બચ્ચાને બરડા ડુંગર સ્થિત કિલેશ્વર નજીક આવેલા સાબર ઉછેર કેન્દ્ર ખાતે રિફર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સમગ્ર માનવતાવાદી રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, ધવલ સોનગરા તેમજ સ્થાનિક અગ્રણીઓ કાનભાઈ ચાવડા અને બી.ડી. જાડેજાએ સરાહનીય યોગદાન આપ્યું હતું.
