તાલાલામાં વિશ્ર્વ હૃદય દિવસ નિમિત્તે હાફ મેરેથોન દોડ યોજાઈ

‘વોક ફોર હેલ્થ’ના સંદેશ સાથે 80થી 90 નગરજનોએ દોડમાં લીધો ભાગ

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે તાલાલામાં નિરામય યોગ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ‘વોક ફોર હેલ્થ’ના સંદેશાને સાર્થક કરવા હાફ મેરેથોન દોડ સ્પર્ધા યોજાઈ હતી.
સરદાર ચોકથી માર્કેટિંગ યાર્ડ સામે હિરણ નદીના કાંઠે આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલ દોડમાં તાલાલા શહેરના અંદાજે 80થી 90 નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.રાજ્ય કક્ષાની દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર તાલાલા ગીરનું ગૌરવ હરદાસભાઈ કરંગીયા એ હાફ મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.મેરેથોન દોડમાં આઈ.પી.એલ. યુનિટ ના જગદીશભાઈ રામે પ્રથમ સ્થાન મેળવ્યું હતું,જ્યારે સિનિયર સિટીઝન હરદાસભાઈ કરંગીયા એ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ગોલ્ડ મેડાલીસ્ટ હરદાસભાઈ કરંગીયાએ જણાવ્યું હતું કે, શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે નિયમિત દોડવું અને ચાલવું ખૂબ જ જરૂરી છે.રોજિંદા જીવનમાં નિયમિત કસરતથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.લોકોએ સ્વસ્થ જીવનશૈલી જીવવા પ્રાણાયામ કરવા અનુરોધ કર્યો હતો.દુધેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂ.પા.રંગગીરી બાપુએ દોડવીરોનું સ્વાગત કરી આવકાર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌએ મંદિર પરિસરમાં સામૂહિક શિવ સ્તુતિનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડ નાં કોચ ઈલાબેન લક્કડ,નિરામય સેન્ટરના માર્ગદર્શક રમેશભાઈ કાનાબાર,ઈન્ડિયન પોટાશ કંપની નાં અરવિંદભાઈ ચૌધરી,તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ ચાંડેરા સહિત યુવાનો,મહિલાઓ,સિનીયર સિટીઝન વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ