ફોરવ્હીલનો પાછળનો કાચ તોડી રૂ.3 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ
તાલુકાના ઘુઘરાળા ગામે તા.25 સપ્ટેમ્બર, 2026ની રાત્રે એક દલિત પરિવારના ઘરે જઈ મારામારી, જાનથી મારી નાખવાની ધમકી તેમજ વાહનને નુકસાન કર્યાની ફરિયાદ બાબરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદ મુજબ ઘુઘરાળા ગામના પ્રવિણભાઈ રામજીભાઈ ચાવડા (ઉ.વ.52)એ યુવરાજભાઈ વિરકુભાઈ જેબલીયા, રહે.ત્રંબોડા તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના પુત્ર જયેશભાઈ સાથે આશરે 20-21 દિવસ અગાઉ યુવરાજભાઈ જેબલીયા તથા અન્ય બે શખ્સો સાથે મારામારીનો બનાવ બન્યો હતો અને આ અંગે જયેશભાઈએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ કરી હતી. દરમિયાન તા.25 સપ્ટેમ્બરની રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં ઘુઘરાળા ગામે ચક્કી પાસે રામકુભાઈ ભીખાભાઈ હુદડ તથા ભલાભાઈ ભગવાનભાઈ ભેસાણીયા દેશી દારૂ વેચતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી ત્યાં પહોંચતા બંને વ્યક્તિઓ દારૂનો સામાન મૂકી જતા રહ્યા હોવાની બાબતને લઈને યુવરાજભાઈએ મનદુ:ખ રાખ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ત્યારબાદ રાત્રે આશરે સાડા નવ વાગ્યે બે અજાણ્યા શખ્સોને ફરિયાદીના ઘરે મોકલી ફરિયાદીની માતાને બે લાફા મારી મુઢ ઇજા પહોંચાડ્યાનો તેમજ ફરિયાદીના પુત્ર જયેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ફરિયાદીની ફોરવ્હીલ ગાડી ક્રેટા, રજી. નં. ૠઉં-18-ઇૠ-7544નો પાછળનો કાચ તોડી અંદાજે રૂ.3,000નું નુકસાન કર્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીએ આરોપીઓએ પોતે કાઠી દરબાર સમાજના અને ફરિયાદી દલિત સમાજના હોવાની જાણ હોવા છતાં આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(3), 54, 3(5), 324(2) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(2)(5)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.સમગ્ર બનાવની તપાસ વિસ્મય પી. માનસેતા, નાયબ પોલીસ અધિક્ષક, લાઠી વિભાગ, લાઠી તથા ચાર્જ જઈ/જઝ સેલ, અમરેલી દ્વારા હાથ ધરવામાં આવી છે.
