રણુંજાના મેળામાં પ્રશંસનીય કામગીરી માટે કાલાવડ ટાઉન પોલીસનું મીડિયા મિત્રો દ્વારા સન્માન

કાલાવડ તાલુકાના રણુંજા ખાતે યોજાયેલા લોક મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ લાખો ની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે કાલાવડ ટાઉન પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીપરાગ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે લોક મેળા દરમિયાન સતત ફરજ બજાવી હતી.
રણુજા મેળામાં લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ભીડ વચ્ચે કેટલાક બાળકો પોતાના માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા. આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં પોલીસ સ્ટાફે તાત્કાલિક કામગીરી હાથ ધરી બાળકોને શોધી તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. બાળકો અને તેમના માતા-પિતાના મિલનથી પરિવારોને મોટી રાહત મળી હતી.
ભીડભાડવાળા મેળામાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો તથા બહારગામથી આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી.
સમગ્ર મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, ભીડનું વ્યવસ્થિત સંચાલન કરવા તથા જરૂરિયાતમંદ શ્રદ્ધાળુઓને સહકાર પૂરો પાડવા બદલ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી પરાગ જયસ્વાલ, જીતેન પાગડાર, રણજીતસિંહ જાડેજા (જામ), પ્રકાશ મકવાણા સહિત સમગ્ર પોલીસ સ્ટાફની કામગીરીની કાલાવડના મીડિયા મિત્રો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રશંસનીય કામગીરીને બિરદાવવા માટે કાલાવડના મીડિયા મિત્રો દ્વારા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ નું સન્માન કરવામાં આવ્યું હતું. મીડિયા મિત્રો એ પોલીસની કામગીરીને બિરદાવી આગામી સમયમાં પણ જનસુરક્ષા અને જનસેવામાં આવી જ જવાબદારીપૂર્વક કામગીરી કરવા શુભકામના પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ