મેંદરડાના ભાલછેલમાં શ્રી શિલ વિલા રિસોર્ટનું ગેરકાયદે બાંધકામ તુટશે જ

રિસોર્ટના માલિકની મનાઈ હૂકમ અરજી મહેસૂલ સચિવે ફગાવી દીધી

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા ના ભાલછેલ ગામે આવેલ શ્રી શિવ વિલા રિસોર્ટ સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવા માં આવ્યું છે. આ રિસોર્ટ ગ્રામ પંચાયતમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી,ખોટી રીતે બાંધકામ પરવાનગી મેળવીને ઊભો કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2021 માં જ આ મંજૂરી રદ કરવામાં આવી હોવા છતાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું.
જેને પગલે પ્રાંત અધિકારી મેંદરડા દ્વારા શરત ભંગનું પ્રકરણ ચલાવી રિસોર્ટ નું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અને દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.પ્રાંત અધિકારીના આ હુકમ સામે શ્રી શિવ વિલા રિસોર્ટ ના માલિક તારાચંદ દોલતરામ ચોથાણી દ્વારા મનાઈ હુકમ મેળવવા માટે સચિવ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. આ સુનાવણીમાં ભાલછેલ ગ્રામ પંચાયત વતી એડવોકેટ કિરીટ બી.સંઘવી અને એડ. પ્રકાશ કે.ભાદરકા રોકાયા હતા.
સુનાવણી દરમિયાન એડવોકેટ પ્રકાશ ભાદરકાએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, રિસોર્ટ માલિક દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે બાંધકામ કરાયું છે, ગામમાં ન્યુસન્સ અને ગંદકી ફેલાઈ રહી છે,તેમજ કોઈપણ જરૂરી વિભાગની કાયદેસર મંજૂરી વિના મોટાપાયે વીજપોલ ઊભા કરી ગામની સુરક્ષા સામે જોખમ ઊભું કરવામાં આવ્યું છે.
આશરે 3 થી 4 કલાક ચાલેલી આ સુનાવણી બાદ તમામ દલીલો ને ધ્યાને રાખી મહેસૂલ સચિવ (વિવાદ) દ્વારા રિસોર્ટ માલિક તારાચંદ દોલતરામ ચોથાણીની મનાઈહુકમ ની અરજી ફગાવી દેવામાં આવી છે અને રિસોર્ટનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ