વાંકાનેર: વિકસિત ભારત-2047ના સંકલ્પ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

વિકસિત ભારત-2047ના સંકલ્પને કેન્દ્રમાં રાખી વાંકાનેર તાલુકા કક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન બીઆરસી ભવન, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન 67-વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સંભાળ્યું હતું.
સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની વિવિધ શાળાઓમાંથી ધોરણ 6થી 8, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત-2047’ની કલ્પનાને ચિત્રો અને વકતૃત્વ દ્વારા રજૂ કરી હતી. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ એ દેશના વિકાસ, શિક્ષણ, ટેકનોલોજી, સ્વચ્છતા અને રાષ્ટ્રનિર્માણ જેવા વિવિધ વિષયોને સર્જનાત્મક અભિવ્યક્તિ આપી હતી, જ્યારે વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના લક્ષ્ય અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ માં ભાગ લેવા અને રાષ્ટ્રના વિકાસના સંકલ્પ સાથે જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં વાંકાનેર નગરપાલિકા ના પ્રમુખ રમેશભાઈ વોરા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ, જિલ્લા કચેરીના શિક્ષણ નિરીક્ષક બાદી સાહેબ, કેની યુવરાજસિંહ વાળા, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાદી સાહેબ, શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા, એસવીએસ ક્ધવીનર સહિતના આગેવાનો અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી ભવન વાંકાનેરના તમામ સીઆરસી મિત્રો તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના કર્મચારીઓ દ્વારા આયોજન અને વ્યવસ્થામાં સહયોગ આપવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ