ચાર ગામના ખેડૂતોની વર્ષો જુની માંગ નહીં સંતોષાતા રોષ ભભુક્યો
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ થી ગીર ગઢડા તાલુકાના ઝાંઝરીયા ગામ સુધીના ત્રણ કિલોમીટરના પેવર રોડ માટે ચાર ગામના ખેડૂતો વર્ષોથી માંગણી કરી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ નહિ ધરતા ખેડૂતોમાં રોષ ની લાગણી છવાઈ છે.
ડોળાસા થી ઝાંઝરીયા સુધીના માત્ર ત્રણ કિલોમીટરના રોડ માટે ડોળાસા,બોડીદર,ઝાંઝરીયા,વેરાકોટ સહિતના અનેક ગામોના લોકો માંગણી કરી રહ્યા છે.પરંતુ આ બાબતે કોઈ જ કાર્યવાહી હાથ નહીં ધરાતા આ રોડના લાભાર્થી ગામો ના લોકો તેમજ આ રસ્તામાં આવતા 200 ખેડૂતો મા રોષની લાગણી છવાઈ છે. ડોળાસાથી ઝાંઝરીયા સુધીના રોડ ઉપર ડોળાસાની ગીર સોમનાથ જિલ્લાની ગોંદરાપરા પ્રાથમિક શાળા, ઉપરાંત રમતગમતનું મેદાન,ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર પણ આવેલું છે. સાથે સાથે ડોળાસા, ઝાંઝરીયા, બોડીદર ગામોના ખેડૂતોની જમીન, રહેણાંક, ઢોરવાડા વિગેરે આ રસ્તા પર આવેલું છે. જેથી અહીં સતત અવરજવર રહે છે.પરંતુ ચોમાસા દરમિયાન અહીંથી પસાર થવું દુષ્કર બની જાય છે.ચોમાસા દરમિયાન ખેડૂતોની જિંદગી યાતનામય બની જાય છે. આ રોડ બને તો ગીર ગઢડા તાલુકો અને કોડીનાર તાલુકાને જોડતો મહત્વનો રોડ સાબિત થશે.સાથે અનેક ગામોના લોકોને આ રસ્તા નો મહત્વનો લાભ મળશે.આ બાબતે દસ વર્ષ થી રજૂઆતો કરવા છતાં ગુજરાત સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી હાથ ધરવા નહીં આવતા ચાર ગામના લોકોમાં વ્યાપક રોશની લાગણી જન્મી છે.નજીકના ભવિષ્યમાં આ રોડની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની,ચક્કાજામ,અને જરૂર પડ્યે આગામી ચૂંટણી નો બહિષ્કાર કરવા ની ચીમકી આપી છે.
