ગેરકાયદે લાકડા ભરી નીકળેલ ટ્રક ઝડપાયો
ટ્રકચાલક યોગ્ય જવાબ ન આપી શકતાં વનવિભાગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમરેલી જિલ્લામાં વનવિસ્તારમાંથી લાકડાની ગેરકાયદેસર હેરફેર સામે વનવિભાગ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે ધારી વનવિભાગને મળેલી બાતમીના આધારે દલખાણીયા નજીક પાસ-પરમિટ વિના લાકડા ભરીને જતાં એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. વનવિભાગની ટીમે ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાં લાકડા ભરેલા હોવાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, ધારી વનવિભાગની ટીમ દ્વારા દલખાણીયા આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. દરમિયાન શંકાસ્પદ રીતે લાકડા ભરીને પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં લાકડાનો જથ્થો મળી આવતાં વનવિભાગના અધિકારીઓ દ્વારા લાકડાના જથ્થા અંગે જરૂરી પાસ-પરમિટ સહિતના દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી.
જો કે, ટ્રકચાલક દ્વારા લાકડાની હેરફેર અંગે વનવિભાગ સમક્ષ યોગ્ય જવાબ કે જરૂરી પરવાનગી રજૂ કરવામાં ન આવતાં વનતંત્રએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગે લાકડા ભરેલા ટ્રકને કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
લાકડાનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેમજ આ લાકડાની હેરફેર પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે તંત્રની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ધારી વનવિભાગની આ કાર્યવાહીથી વનવિસ્તારમાં ગેરકાયદેસર રીતે લાકડાની હેરફેર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. વનસંપદાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ વનવિભાગ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
