વાંકાનેરના જીનપરા સ્થિત વિશ્વકર્મા મંદિર ખાતે યુવા સારથી સંગઠન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વાંકાનેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને કુલ 334 બોટલ રક્ત એકત્રિત થયું હતું.
આ કેમ્પનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતામાં યોગદાન આપવા સાથે સમાજમાં નિયમિત રક્તદાન અંગે જાગૃતિ વધારવાનો હતો. થેલેસેમિયા સહિત વિવિધ તબીબી પરિસ્થિતિઓમાં દર્દીઓને રક્તની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન સાથે જોડાય તે દિશામાં આ આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પના આયોજનમાં બોલ બાલા ટ્રસ્ટ તથા ગઢીયા હનુમાન મિત્ર મંડળ સહિત વાંકાનેરની અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ તથા સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોએ કેમ્પ દરમિયાન વ્યવસ્થા તથા સંચાલનની જવાબદારીઓમાં સહભાગી બની કાર્યક્રમને સુચારુ રીતે પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો હતો.
યુવા સારથી સંગઠન દ્વારા તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો તથા વાંકાનેરની જનતાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
