કણજોતર-ધામળેજમાં ખેડુતોની વિશાળ બેઠક મળી; કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું
સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં માઇનિંગ લીઝમાંથી પાણી ઉલેચવાની કામગીરીના મુદ્દે ખેડૂતોમાં રોષ યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ અને આંદોલન બાદ ગત રાત્રે કણજોતર-ધામળેજ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોની વિશાળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સિંગસર સહિત થોરડી, બળવલા, ધામળેજ, કણજોતર અને રાખેજ સહિતના અનેક ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, માઇનિંગ લીઝમાંથી મોટા પ્રમાણમાં પાણી બહાર કાઢવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળના સ્તર પર અસર થવાની ભીતિ છે. જેના કારણે ખેતી અને ખેડૂતોના ભવિષ્ય અંગે ચિંતા ઊભી થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા માઇન્સમાંથી પાણી ઉલેચવાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધ બાદ ગત રાત્રે કણજોતર-ધામળેજ ખાતે ખેડૂતો, આગેવાનો અને ગ્રામજનોની વિશાળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં માઇન્સમાંથી પાણી ઉલેચવાની કામગીરીથી થતી સંભવિત અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ ખેડૂતોના હિતમાં આગામી દિવસોમાં રજૂઆત અને આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. બેઠક બાદ ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં એકત્ર થઈ માઇનિંગ લીઝમાંથી પાણી ઉલેચવાની કામગીરી સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ ભૂગર્ભજળ અને ખેતીલાયક જમીન પર થતી સંભવિત અસરો અંગે યોગ્ય તપાસ અને વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. માઇનિંગ લીઝમાંથી પાણી ઉલેચવાની કામગીરી કાયમી ધોરણે બંધ કરવામાં આવે. ભૂગર્ભજળ અને ખેતીલાયક જમીન પર થતી સંભવિત અસરો અંગે યોગ્ય તપાસ કરવામાં આવે. માઇનિંગ વિસ્તારમાં પાણીના સ્તર અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે. આસપાસના ગામોના ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે. સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી ખેડૂતોની રજૂઆતનો યોગ્ય નિકાલ કરવામાં આવે. તેવી ખેડુતોએ માંગ કરી હતી.