બંને હાથ-પગમાં ગંભીર ઈજા: વચ્ચે છોડાવવા પડેલા યુવાનને પણ પગમાં ગંભીર ઈજા, જમીનનો કબજો મેળવવા હુમલો કરાયો હોવાની ચર્ચા, પોલીસ ફરિયાદની તજવીજ
ગીરગઢડા તાલુકાના મોતિસર ગામે જમીનના કબજાને લઈને ચાલતા વિવાદમાં આધેડ પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. જમીનના કબજાને લઈને અગાઉથી વિવાદ ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા આધેડ પર ધારદાર હથિયાર સહિતના સાધનો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે આધેડને ગંભીરઈજાઓપહોંચી છે. તેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ પ્રાથમિક સારવાર કરીને વધુ સારવારમાટેરાજકોટરીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગીરગઢડા તાલુકાના મોતિસર ગામના અરજણભાઈ કરશનભાઈ કાથરોટીયા (ઉંમર આશરે 60 લાંબા સમયથી જમીનના કબજામાં હોવાનું જણાવાય છે. આ જમીનને લઈને અગાઉથી વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળે છે. તેમ છતાં જમીનનો કબજો મેળવવા માટે કેટલાક શખ્સો દ્વારા અવારનવાર ધાક ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ મામલે અરજણભાઈ કાથરોટીયા દ્વારા ગીરગઢડા પોલીસ મથકમાં અગાઉ અનેક વખત ફરિયાદો કરવા માં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન મંગળવારની સાંજના સમયે કેટલાક શખ્સો હથિયારો સાથે મોતિસર ગામે પહોંચ્યા હોવાની વિગતો સામે આવી છે.
અરજણભાઈ પોતાના કબજાની જમીનમાં ખેતરનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે. હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા બંને હાથ અને પગમાં ગંભીર ઇજાથઈહોવાનું જાણવા મળ્યું છે. લોહીલુહાણ હાલત માં તેમને તાત્કાલિક સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ હુમલા દરમિયાન અરજણભાઈને છોડાવવા માટે નિતલી ગામના અજીત હસનભાઈ શમા વચ્ચે પડ્યા હતા. જોકે હુમલાખોરોએ તેમને પણ નિશાન બનાવ્યા હોવાના આક્ષેપો છે.અજીતભાઈને પગમાં ગંભીર ઈજા થતાં તેમનેપણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા છે
મોતિસર ગામે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથક માં ચકચાર મચી છે. વિવાદાસ્પદ જમીનનો કબજો મેળવવા માટે જ હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે ચાલી રહી છે. બીજી તરફ જમીન અંગે કોર્ટ મેટર ચાલતું હોવા છતાં હુમલો કરાયો હોવાના આક્ષેપોને પગલે મામલો વધુ ગંભીર બન્યો છે.
હાલ અરજણભાઈ કાથરોટીયા તરફથી ગીરગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.પોલીસ ફરિયાદ બાદ સમગ્ર ઘટનામાં કેટલા શખ્સો સંડોવાયેલા છે, હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે અને કયા હથિયારોનો ઉપયોગ થયો હતો તે અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.