બિલ્ડિંગ લાઈમસ્ટોનનું બિનઅધિકૃત વહન કરતા 3 ટ્રેક્ટર ઝડપાયા: ચેકિંગ દરમિયાન ત્રણ વાહનો માંથી આશરે રૂ.15 લાખનો મુદ્દામાલ સીઝ, ખાણ-ખનીજ વિભાગ દ્વારા ઊંટવાળા,પસવાળા, પાતાપુર નદી વિસ્તારોમાં તપાસ
ઉના તાલુકા મા ખનીજોના ગેરકાયદેસર ખનન અને બિનઅધિકૃત વહન સામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને ભૂસ્તરશાસ્ત્રી ના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા ઉના તાલુકાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ દરમિયાન ઉના તાલુકાના કાજરડી ગામ નજીક ત્રણ ટ્રેક્ટર વાહનો બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજ નું બિનઅધિકૃત વહન કરતા મળી આવ્યા હતા. ખાણ અને ખનીજ વિભાગની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી ત્રણેય વાહનોને અટકાયત કરી સીઝ કર્યા હતા. વિભાગીય તપાસ દરમિયાન ત્રણેય વાહનોમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું બિનઅધિકૃત વહન થતું હોવાનું સામે આવતા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણેય વાહનો સહિત પકડાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે રૂ.15 લાખ હોવાનું જણાવાયું છે.
કાજરડી ઉપરાંત ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા ઉના તાલુકાના ઊંટવાળા, પસવાળા, પાતાપુર ગામના નદી વિસ્તારોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.જોકે, ચેકિંગ દરમિયાન ત્રણેય સ્થળોએ તપાસના સમયે કોઈ ગેરકાયદેસર ખનન કે બિનઅધિકૃત ખનીજ વહનની પ્રવૃત્તિ ચાલુ હાલતમાં જોવા મળી નહોતી.
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજસંપત્તિનાગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહનને અટકાવવા માટે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે વાહન ચેકિંગ તેમજ નદી અને ખનીજ વિસ્તારોમાં સ્થળ તપાસ કરવામાં આવી રહી છે.કાજરડી ગામે ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડવા ની કાર્યવાહી પણઆ ઝુંબેશના ભાગરૂપે કરવામાંઆવી હોવાનું જાણવા મળે છે.
ખાસ કરીને નદી વિસ્તારોમાંથી રેતીસહિતનાખનીજો ના ગેરકાયદેસર ખનન અને વહનને અટકાવવા માટે વિભાગની ટીમો દ્વારા વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.એ માત્ર દેખાવ પુરતું હોવાની ચર્ચા ઉઠી રહી છે.