Jai Hind

ધોકડવા IIFL ગોલ્ડ લોન શાખા સામે ગ્રાહકોનો વિસ્ફોટ, લાખોની છેતરપિંડીનો આક્ષેપ

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કાર્યરત ખાનગી ફાયનાન્સ કંપની ઈંઈંઋક ગોલ્ડ લોનની શાખા ગંભીર વિવાદમાં સપડાઈ છે. ગ્રામ્ય વિસ્તારના અનેક ગ્રાહકો એકસાથે આવીને શાખા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે ગીર ગઢડાપોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ગ્રાહકો પોલીસ મથકે એકઠા થયા હતા અને અમને ન્યાય આપો ના સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી.ગ્રાહકોના કહેવા મુજબ ધોકડવા ઈંઈંઋક શાખામાં છેલ્લા ઘણા સમયથી ગેરરીતિ ચાલીરહી છે.ગામડા વિસ્તારોમાં ઓછુંભણેલા અને સીધા-સાદા ગ્રાહકો સોનું ગીરવે મૂકી લોન લેવા આવે છે. તેમને લોનના કાગળો, વ્યાજનો દર, અને નિયમો અંગે પૂરતી સમજણ આપવામાં આવતી નથી અને ઉતાવળે સહી-અંગુઠા લઈ લેવામાં આવે છે.
ગ્રાહકો જ્યારે હપ્તા ભરે છે ત્યારે તેની પાકી પહોંચ આપવામાં આવતી નથી. ખાતામાં કેટલા પૈસા જમા થયા, કેટલું વ્યાજ લાગ્યું અને કેટલું બાકી છે તેનો કોઈ સ્પષ્ટ હિસાબ આપવામાં આવતો નથી. કેટલાક કિસ્સા માં લોન બંધ થઈ ગયા બાદ પણ વધુ પૈસાની માંગણી કરાતી હોવાનો આક્ષેપ છે.
અનેક ગ્રાહકોના કહેવા મુજબ તેમના નામે મંજૂર થયેલી લોનની રકમ કરતા ઓછી રકમ હાથમાં આપવામાં આવી છે અને બાકીના પૈસાનું શું થયું તેનો કોઈ જવાબ નથી. સમગ્ર મામલો લાખો રૂપિયાનો હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે
જ્યારે ગ્રાહકો શાખા પર જઈને હિસાબ માંગે છે ત્યારે મેનેજર અને સ્ટાફ દ્વારા ઉડાઉ જવાબો આપી, ધક્કા ખવડાવી કાઢી મૂકવામાં આવે છેએક ફરિયાદી ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે અમારી દીકરીના લગ્ન માટે સોનું ગીરવે મૂક્યું હતું. બે વર્ષથી હપ્તા ભરીએ છીએ પણ હજુ લોન પૂરી થતી નથી. હિસાબ માંગીએ તો કોઈ જવાબ નથી આપતું.
ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી ગોલ્ડ લોન કંપનીઓ જ એકમાત્ર સહારો હોય છે. બેંકના ધક્કા કરતા અહીં ઝડપથી લોન મળે છે એટલે લોકો વિશ્વાસ મૂકે છે.
આ વિશ્વાસ તૂટતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગીર ગઢડા પોલીસને લેખિત રજૂઆત મળતા પોલીસે તમામ ગ્રાહકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ દ્વારા ઈંઈંઋક શાખાના લોન રજિસ્ટર, કમ્પ્યુટર ડેટા, ગ્રાહકોના ખાતા અને વ્યવહારના પુરાવા ઓની ચકાસણી કરવામાં આવશે તેવી શક્યતા છે.
ગ્રાહકોની સ્પષ્ટ માંગ છે કે આ મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરી જો કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી હોય તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગરીબ ગ્રાહકોના પૈસા પરત અપાવવામાં આવે લાખોના વ્યવહાર સાથે જોડાયેલા આ મામલે ગીર ગઢડા પોલીસ ન્યાય અપાવશે કે કેમ તેના પર હવે સમગ્ર ગીર પંથકની નજર મંડાયેલી છે.