વનકર્મીએ જીવના જોખમે પીંજરા સાથે કુવામાં ઉતરી સિંહણનો જીવ બચાવ્યો
અમરેલી જિલ્લાના ધારી પંથકમાં સિંહ પરિવારનો વસવાટ સતત વધી રહ્યો છે. અને અવાર નવાર સિંહ પરિવાર જાહેર માર્ગો તેમજ માનવ વસાહત નજીક નજરે પડતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ધારી તાલુકાના દહીડા ગામની સીમમાં શિકારની પાછળ દોડ લગાવતી એક સિંહણ અચાનક કૂવામાં ખાબકતા ચકચાર મચી ગઈ હતી.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ, ધારી તાલુકાના દહીડા ગામની સીમ વિસ્તારમાં આજે એક સિંહણ શિકારની પાછળ દોડી રહી હતી. આ દરમિયાન અચાનક સિંહણ કૂવામાં ખાબકી હતી. સિંહણ કૂવામાં પડી હોવાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કૂવામાં ફસાઈ ગયેલી સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સિંહણને બહાર કાઢવા માટે વનવિભાગના એક કર્મચારીને પાંજરા મારફતે કૂવામાં ઉતારવામાં આવ્યો હતો અને સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સિંહણ કૂવામાં હોવાથી સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ભારે તકેદારી રાખવામાં આવી હતી. અને વન વિભાગની ટીમે ભારે જહેમત અને તકેદારી બાદ સિંહણને કૂવામાંથી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહણને વનવિભાગ દ્વારા વધુ સારવાર અને તબીબી તપાસ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. સિંહણને કોઈ ગંભીર ઈજા થઈ છે કે કેમ તે અંગે એનિમલ કેર સેન્ટરમાં તેની તબીબી તપાસ કરવામાં આવશે.
ધારી પંથકમાં સિંહ પરિવારની અવરજવર અને માનવ વસાહત નજીક સિંહોના દેખાવ વચ્ચે બનેલી આ ઘટનાએ ફરી એક વખત વન્યજીવ અને માનવ વસાહત વચ્ચેના સંવેદનશીલ સંઘર્ષની સ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે. જો કે, સમયસર જાણ થતાં વનવિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહણને બચાવી લેતાં વન્યજીવ પ્રેમીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી.
