બોટાદના હડદડ-નાગલપર માર્ગ પરના અનેક સ્થળોએ મોટા ખાડાથી લોકો પરેશાન

રોડની તાકીદે મરામત કરાવી, રોડના કામમાં ક્ષતિ રાખનાર જવાબદારો સામે પગલાં લેવા રજુઆત

હડદડથી નાગલપર ગામને જોડતા માર્ગની હાલત અંગે સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે,માર્ગ પર અનેક સ્થળોએ મોટા ખાડા પડી જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભા સંગઠનમંત્રી અજયભાઈ જમોડ દ્વારા સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે રોડના વિવિધ ભાગોમાં ખાડા પડવા ઉપરાંત કેટલાક સ્થળોએ રોડની સપાટી પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ હોવાનું જોવા મળી રહ્યું છ, રોડ બન્યાને માત્ર ચાર મહિના જેટલા સમયમાં રોડની આવી દયનિય સ્થિતિ થવા પાછળ જનતાના ટેક્ષના રૂપિયાનો વ્યય થયો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.
અજયભાઈ જમોડે માંગ કરી છે કે હડદડ-નાગલપર રોડની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, રોડના પાયાના કામ, માટીકામ, વપરાયેલી સામગ્રી તથા નિર્માણની ગુણવત્તાની ટેકનિકલ તપાસ કરવામાં આવે અને રોડ પર પડેલા ખાડાઓનું માત્ર ઉપરછલ્લું પેચવર્ક કરવાને બદલે નિયમો અને ગુણવત્તાના ધોરણો મુજબ કાયમી ધોરણે મરામત કરવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જાહેર નાણાંમાંથી બનેલા રસ્તાઓ લાંબા સમય સુધી લોકો માટે ઉપયોગી રહે તે જરૂરી છે. રોડ પર આટલા મોટા પ્રમાણમાં ખાડા પડ્યા હોય તો સમગ્ર કામની ગુણવત્તા અંગે ટેકનિકલ તપાસ થવી જોઈએ અને જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારી નક્કી કરીને નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. તેઓએ માર્ગ અને મકાન વિભાગ મંત્રી, માર્ગે અને મકાન વિભાગ સંબધિત અધિકારીઓ ગાંધીનગર તથા જિલ્લા કલેક્ટર બોટાદ અને જિલ્લા વિકાસ અધિકારી બોટાદને પણ નકલ રવાના કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ