Jai Hind

તાલાલાના ઉમરેઠી ગીર ગામે બાળકોના આરોગ્ય માટે હાનીકારક પડીકાના વેંચાણ ઉપર પ્રતિબંધ

બાળકોના સ્વસ્થ આરોગ્ય માટે ગ્રામ પંચાયતના પ્રેરણાદાયી નિર્ણયની સર્વત્ર પ્રશંસા

તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગીર ગામે બાળકો અને યુવાનોના આરોગ્યને ધ્યાને લઈ ગામમાં હાનીકારક પડીકાં નું વેંચાણ બંધ કરવા ગ્રામ પંચાયતે પ્રેરણાદાયી કરેલ નિર્ણયને સમસ્ત ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો છે.ગામના રામજી મંદિર ખાતે સરપંચ જયદીપભાઈ જોટવા નાં અધ્યક્ષ સ્થાને ગામના આગેવાનો તથા દુકાનદારો ની બેઠક મળી હતી જેમાં બાળકોના આરોગ્ય માટે હાનિકારક અને બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ફૂડ (પડીકા) નાં વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવા સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો.આ નિર્ણય બાદ ગામની 20 જેટલી દુકાનોમાં બિન આરોગ્યપ્રદ પડીકા નું વેચાણ સંપૂર્ણ બંધ થઈ ગયું છે.
સરપંચ જયદીપભાઈ જોટવા એ જણાવ્યું હતું કે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો નાં સેવનથી બાળકો અને યુવાનોમાં સ્થૂળતા, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ સહિતની વિવિધ આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે ત્યારે બાળકોને સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક મળે માટે ગામમાં બિન આરોગ્યપ્રદ પડીકા ના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.બાળકોના આરોગ્ય માટે આવકારદાયક આ નિર્ણયને ગ્રામજનો તથા વેપારીઓએ એકી સુરે વધાવ્યો હતો.ઉમરેઠી ગીર ગ્રામ પંચાયતની અનોખી પહેલ ની તાલાલા પંથકમાં સર્વત્ર સરાહના થઈ રહી છે.આ બેઠકમાં ગામના અગ્રણી ગોવિંદભાઈ બારડ સહિત વેપારીઓ,યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
મહિલાઓને ઘરઆંગણે રોજગારીની તક મળશે
ગામની દિકરીઓ,મહિલાઓએ ઘર આંગણે જ સ્વચ્છ, ગુણવત્તાસભર અને પોષ્ટિક નાસ્તો તૈયાર કરી તેનું વેચાણ કરવા પંચાયતના પદાધિકારીઓએ આહવાન કર્યું હતું.ઘર આંગણે જ તૈયાર કરેલ નાસ્તા થી બાળકોને ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ નાસ્તો મળશે.આ સાથે જ મહિલાઓને સ્થાનિક રોજગારીની તકો ઊભી થશે.