Jai Hind

તાલાલાના અનીડા થી સોનારીયા જતાં માર્ગ ઉપર ઠેરઠેર મોટા મોટા ગાબડા : પ્રસાશન ધુતરાષ્ટ્ર બન્યું

અનીડાથી સોનારીયા જતાં 15 કિ.મી માર્ગમાં આવતા સાત ગામની ત્રાહિમામ પ્રજાને ન્યાય આપો : અનીડા ગામના મહિલા સરપંચ પ્રવિણાબેન ચાવડાએ બાંધકામ વિભાગના આળશું અધિકારીઓને પત્ર લખ્યો

તાલાલા તાલુકાનાં અનીડા ગીર થી સોનારીયા જતો 15 કિ.મી માર્ગ ઉપર દોડતા કદાવર ડમ્પર નાં વજનથી માર્ગ સાવ ખલાસ થઈ ગયો છતાં પણ માર્ગની મરામત કરવા બાંધકામ વિભાગના બાબુઓ આળશ રાખતા હોય ધુતરાષ્ટ્ર બની ગયેલ પ્રસાશન સામે ગ્રામીણ પ્રજામાં ભારે રોષ ફેલાયો છે.
અનીડા થી સોનારીયા જતાં માર્ગ ઉપર આવતા ખંઢેરી, ભેટાળી, પંડવા, ઈન્દ્રોય, નાવદ્રા વિગેરે સાત ગામની 25 હજાર ગ્રામીણ વસ્તી વતી બાંધકામ વિભાગના સતાવાળાને મોકલેલ આવેદનપત્રમાં અનીડા ગામના મહિલા સરપંચ પ્રવિણાબેન ચાવડા એ જણાવ્યું છે કે અનીડા ગામથી સોનારીયા જતો માર્ગ ઉપર ઠેરઠેર મોટાં મોટાં ગાબડાં પડી ગયા હોય આ માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ થઈ જાય છે…15 કિ.મી.નાં આ માર્ગ અનીડા વિસ્તારના 15 ગામની ગ્રામીણ પ્રજા માટે આશીર્વાદરૂપ છે.આ માર્ગ ઉપર ઠેર ઠેર બે થી આઠ ફુટ ના મોટા મોટા ગાબડાં પડી ગયા હોય જેથી માર્ગ ખાડામાં હોય તેવી પ્રજાને પ્રતીતિ થઈ રહી છે. આ માર્ગ ઉપર બીમાર દર્દીઓ જેમાં ખાસ કરી ગર્ભવતી મહિલાઓ જ્યારે પસાર થાય છે ત્યારે બીમાર લોકો ઉપર જોખમ ઊભું થાય છે.ચાર વર્ષથી પીડા ભોગવતી આ વિસ્તારની પ્રજાની વેદનાથી લોક સેવકો,પદાધિકારીઓ અને અધિકારીઓ અવગત હોવા છતાં પણ પ્રજા માટે આશીર્વાદ નો દીવડો પ્રગટાવવાના બદલે આંખ આડા કાન કરતા હોય પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. અનિડા થી સોનારીયા જતો 15 ગામની ગ્રામીણ પ્રજા માટે ઉપયોગી માર્ગની બાંધકામ વિભાગના અધિકારીઓ તથા આ વિસ્તારના લોક સેવકો તુરંત મુલાકાત લઇ 25 હજાર ગ્રામીણ પ્રજા માટે આશીર્વાદ નો દીવો પ્રગટાવવા સરપંચ પ્રવિણાબેન ચાવડાએ માંગણી કરી છે.

માર્ગની કેપેસિટી થી વધારે વજન ના વાહનો દોડે છે

અનિડા-સોનારીયા માર્ગ નવનિર્મિત બન્યો ત્યારે મજબૂત અને સારો બન્યો હતો પરંતુ આ માર્ગની કેપેસિટી 15 થી 20 ટન છે તેના ઉપર આ વિસ્તારમાં આવેલ ભરડીયા માંથી 50 ટન થી પણ વધારે માલ ભરેલ કદાવર ડમ્પર અવિરત દોડતાં હોય જેથી નવા બનેલ માર્ગ થોડા દિવસમાં ખલાસ થઈ જાય છે.આ બધું વહીવટી તંત્ર જાણે છે પરંતુ આ વિસ્તારમાં આવેલ ભરડીયાઓ રાજકીય વગ ધરાવતા કદાવર નેતાઓના છે જેથી બાંધકામ વિભાગના બાબુઓ કોઈ કાર્યવાહી કરતાં નથી તેવા ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે.ખલાસ થઈ ગયેલ આ માર્ગ તુરંત નવનિર્મિત બનાવવા અને નવા માર્ગની જાળવણી માટે પ્રશાસન જરૂરી કાર્યવાહી કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.