Jai Hind

ખંભાળિયામાં ચાર રસ્તા ખાતે કરોડોની જમીન સંદર્ભે નગરપાલિકા સામેનો દાવો રદ

કરોડોની કિંમતની જમીન નગરપાલિકાને પરત મળી

ખંભાળિયાના કોમર્શિયલ અને ધમધમતા એવા મિલન ચાર રસ્તા પાસે આવેલા ત્રિકોણીયા વાળી ઓળખાતી જગ્યા તા. 19 જાન્યુઆરી 1978 ના રોજ ખંભાળિયા નગર પંચાયતની કારોબારીમાં ઠરાવ કરી, પ્લોટ નંબર 125 ની અપસેટ પ્રાઇઝ ચાલુ રાખીને વેચાણ કરવા ઠરાવ કરાયો હતો. આ જગ્યા હરીજન નથુ કારાભાઈએ પોતાને વેચાણ આપવાની માંગણી કરી અને બોડીના આદેશથી મંજૂર થયેલી અપસેટ કિંમત રૂ. 75,000 ખંભાળિયા નગર પંચાયતમાં જમા કરાવી આપી હતી, અને તેની પહોંચ પણ તેમણે મેળવી હતી. ત્યારથી આ જગ્યાનો કબજો ભોગવટો તેઓ કરતા હતા.
ત્યાર બાદ આ જગ્યાનું ડીમોલિશન કરવામાં આવ્યું હતું. ગુજરનાર નથુભાઈ કારાભાઈ ડોરૂએ માંગણી વાળી જગ્યાનો વેચાણ દસ્તાવેજ નગરપાલિકા કરી આપે અને જગ્યાનો કબજો ભોગવટો પરત સોંપી આપે તેવી દાદ માંગી અને ખંભાળિયાની કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સ્યુટથી તા. 8 ઓગસ્ટ 2008 થી દાવો કર્યો હતો.
ત્યાર બાદ વાદી અને પ્રતિવાદી ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરની જુબાની લેવામાં આવી હતી અને પ્રતિવાદી તરફથી જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવો ચાલી જતા એડિશનલ સિનિયર સિવિલ જજ મંધાણી દ્વારા કાયદાના સિદ્ધાંત તથા ગુણદોષના વિવિધ આધારો ધ્યાનમાં લઇ અને ખંભાળિયા નગરપાલિકાના એડવોકેટ જીતેન્દ્રભાઈ હિંડોચા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી, વાદી નથુભાઈ કારાભાઈ ડોરૂના વારસોનો દાવો રદ કરતો હુકમ કર્યો છે.
લાંબા સમય સુધી ચાલેલી કોર્ટ પ્રક્રિયા બાદ હાલ કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ જમીન કોર્ટના ઉપરોક્ત આદેશથી નગરપાલિકાને પરત મળવા પામી છે.