ડે.ઇજનેરને કરી રજુઆત: બે દિવસમાં ઉકેલ નહીં આવે તો રામધુન બોલાવવાની ચીમકી
વરસાદ ખેંચાતા એક તરફ જગતનો તાત ચિંતિત છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીના ધાંધિયાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વાસાવડના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ વીજ પુરવઠાની વ્યાપક અનિયમિતતાથી ત્રસ્ત થઈને સ્થાનિક ઙૠટઈક કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર કે. બી. ગુજરાતીને ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેતીવાડી ફિડરોમાં સતત પાવર કટ અને અપૂરતા વીજ પુરવઠાને કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
હાલ પંથકમાં ઓછો વરસાદ નોંધાયો છે, જેને કારણે મગફળી અને કપાસ જેવા ઉભા પાકને બચાવવા પિયતની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. સરકારી નિયમ મુજબ ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો સમયસર મળવો જોઈએ, પરંતુ તે મળતો નથી. પાવર ચાલુ હોય ત્યારે અચાનક સપ્લાય બંધ થઈ જતાં ખેડૂતોને સિંચાઈ કરવામાં મોટો વિક્ષેપ પડે છે, જેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ખેડૂતોએ રજૂઆત માં જણાવ્યું કે ગામમાં હાઈ અને લો વોલ્ટેજની સમસ્યા પણ માથાના દુખાવા સમાન બની છે, જે અંગે જુનિયર એન્જિનિયર મોણાસરાને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સિંગલ ફેઝ પાવર ન મળવા અંગે ૠઊઝઈઘના અધિકારીને પણ ફરિયાદ કરાઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ફોલ્ટ સેન્ટરમાં ફોન કરવામાં આવે ત્યારે ફોન ઉપાડવામાં આવતો નથી અને જો કોઈ ફોન ઉપાડે તો ’લોડ સેટિંગ ચાલે છે’ તેવો ઉડાઉ જવાબ આપી દેવાય છે.
વીજળીની આ સળગતી સમસ્યા અંગે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. ડેપ્યુટી એન્જિનિયર કે. બી. ગુજરાતીએ ખેડૂતોની તમામ રજૂઆતો સાંભળીને આગામી બે થી ત્રણ દિવસમાં આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જોકે, રોષે ભરાયેલા ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બે દિવસમાં વીજળીનો પ્રશ્ન હલ નહીં થાય તો ખેડૂતો દ્વારા ઙૠટઈક કચેરી ખાતે ’રામધૂન’ બોલાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.