Jai Hind

સ્ટ્રોક આવે ત્યારે દરેક મિનિટ કિંમતી : નિષ્ણાંત તબીબો

ઈમરજન્સી સારવાર ઝડપી બનાવવા આઈ.એસ.એ. દ્વારા ડોક્ટરને તાલીમ અપાઈ: સ્ટ્રોકની ઓળખ, નિદાન અને સારવારને મજબુત બનાવવા માટે સ્ટ્રોક એકેડમીએ ખાસ કાર્યક્રમ યોજ્યો

અચાનક સંતુલન ગુમાવવું, અસ્પષ્ટ દેખાવું, ચહેરો એક તરફ ઢળી જવો અથવા બોલવામાં તકલીફ પડવી એ સ્ટ્રોક (લકવા) નું પહેલું લક્ષણ હોઈ શકે છે. આ લક્ષણો કેટલી ઝડપથી ઓળખાય છે, અને દર્દીને કેટલી ઝડપથી ઇમરજન્સી સારવાર મળે છે, તેના પર પરિણામ આધાર રાખે છે. આ ઉદ્દેશ્ય સાથે, ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (ઈંજઅ) દ્વારા રાજકોટોમાં એક દિવસીય ’સ્ટ્રોક એકેડમી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્યુટ સ્ટ્રોક કેરમાં પ્રેક્ટિકલ સ્કીલ્સ વધારવા માટે ફિઝિશિયન્સ અને ઇમરજન્સી ફિઝિશિયન્સને એક મંચ પર લાવવામાં આવ્યા હતા.
આ પહેલ “એમ્પાવરિંગ હેલ્થકેર હીરોઝ: માસ્ટરિંગ સ્ટ્રોક કેર ફોર એન્હાન્સ્ડ પેશન્ટ રિઝલ્ટ્સ”ની થીમ પર આધારિત હતી. તેને ઈંજઅની “ઈચ વન ટીચ વન” (દરેક વ્યક્તિ એકને શીખવે) ફિલોસોફી સાથે સાંકળવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ડોક્ટરો વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન વધારવાનો છે, જેથી સ્ટ્રોકની શંકાસ્પદ સ્થિતિમાં દર્દીને તાત્કાલિક અને ઝડપી સારવાર આપી શકાય. ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના પ્રમુખ ડો. વિક્રમ હુદેદએ જણાવ્યું હતું કે, સારવારમાં થતો વિલંબ દર્દીઓને પેરાલિસિસ (લકવો), બોલવામાં અને સમજવામાં તકલીફ, ગળવામાં મુશ્કેલી અને માનસિક ક્ષતિ જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી ડોક્ટરો માટે સ્ટ્રોકને વહેલા ઓળખવો, દર્દીનું સચોટ મૂલ્યાંકન કરવું અને ઉપલબ્ધ સમયગાળા (વિન્ડો પીરિયડ) ની અંદર યોગ્ય સારવારનો નિર્ણય લેવો જરૂરી બની જાય છે. ઇમેજિંગ, થ્રોમ્બોલિસિસ અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીમાં થયેલી પ્રગતિએ યોગ્ય દર્દીઓ માટે સારવારની શક્યતાઓ વધારી છે.
ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના સેક્રેટરી ડો. અરવિંદ શર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ લક્ષણ દેખાય ત્યારથી લઈને હોસ્પિટલ પહોંચવા, સ્કેન કરાવવા અને નિષ્ણાતની સારવાર મેળવવા વચ્ચેના સમયમાં દર્દી પોતાનો કિંમતી સમય ગુમાવી શકે છે. ઈમરજન્સી ટીમો, સારવાર કરતા ડોક્ટરો, ડાયગ્નોસ્ટિક સેવાઓ અને સ્ટ્રોક સેન્ટર્સ વચ્ચે બહેતર સંકલન સાધીને આ વિલંબને ઘટાડી શકાય છે. લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ અગત્યની છે.
આ સાયન્ટિફિક ચર્ચાઓમાં ડો. આનંદ વૈષ્ણવ, ડો. ભૂમિ દવે, ડો. મલય ઘોડાસરા, ડો. કલ્પેશ સનારીયા, ડો.તુષાર પટેલ, ડો. ગૌરવ દવે, જિગર પારેખ, ડો. દીપ ફળદુ, ડો. આશુતોષ દુધાત્રા, ડો. મિતુલ કાસુન્દ્રા, ડો. ચિંતન પ્રજાપતિ, ડો. નિશીત પટેલ અને ડો. ધ્રુવ કોટેચાએ યોગદાન આપ્યું હતું.