Jai Hind

દ્વારકા નજીક ખાનગી કંપનીના સોલ્ટ વર્ક્સમાં વાયરની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: પાંચ ઝબ્બે

એલસીબી પોલીસે રૂ. 1.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં આવેલી ટાટા કંપનીના ઓખા મઢી સ્થિત સોલ્ટ વર્ક્સમાં આવેલા બોરવેલમાંથી થોડા સમય પૂર્વે રૂપિયા પોણા લાખથી વધુની કિંમતના અર્થીંગ કોપર વાયર તથા કેબલ વાયરની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની ટીમ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ વચ્ચે એલ.સી.બી. સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજીયા અને જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઓખા મંડળના જૂની ધ્રેવાડ ગામના પાટીયા પાસેથી રાહુલ જીલુભા જામ, અનિલભા હરીયાભા જામ, અર્જુનભા ઉર્ફે અજુ આલાભા સુમણીયા, ઓઘાભા ઉર્ફે આલાભા કાનાભા માણેક અને ભરત અભુભા સુમણીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, આકરી પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ચોરીની કબુલાત કરી અને ચોરીનો મુદ્દામાલ કાઢી આપ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂ. 78,000 ની કિંમતના કોપર વાયર, રૂ. 4,000 ની કિંમતના સર્વિસ કેબલ, રૂ. 40,000 ની કિંમતનું મોટરસાયકલ, રૂ. 35,000 ની કિંમતની રીક્ષા, રૂ. 13,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ. 1,70,900 નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.