Jai Hind

કલ્યાણપુર પંથકના ફાયરિંગ પ્રકરણના આરોપી પિતા-પુત્રો જેલ હવાલે કરાયા

કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામે ગત ગુરૂવાર તા. 1 ના રોજ સાંજના સમયે વજશીભાઈ ગગાભાઈ ગોરીયા અને તેમના મોટાભાઈ મેરામણભાઈ ઉપર તેમના કુટુંબી એવા મુળુભાઈ લાખાભાઈ ગોરીયા તેમજ તેમના પુત્ર જીગર મુળુભાઈ ગોરીયા અને ભરત મૂળુભાઈ બોરીયા નામના પિતા-પુત્રોએ આવી, અહીં સરકારી ખરાબામાં ચાલી રહેલા ઊર્જાના કામ બાબતે બિભત્સ ગાળો ભાંડી બોલાચાલી કરી હતી. આ પછી આરોપી ભરત ગોરીયાએ બેફામ ફાયરિંગ કરતા બંને ભાઈઓ વજશીભાઈ ગગાભાઈ અને તેમના મોટાભાઈ મેરામણભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી, આરોપી એવા મુળુભાઈ લાખાભાઈ ગોરીયા તેમજ તેમના પુત્રો જીગર અને ભરતની અટકાયત કરી હતી. ત્યાર બાદ તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપી પિતા-પુત્રોને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.