Jai Hind

સણોસરીમાં દીપડાના આતંકથી વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો

સણોસરીમાં ધોળે દિવસે શાળા નજીક દીપડાની લટાર, 55 વિદ્યાર્થીઓ શાળાએ ન પહોંચ્યા, વાલીઓનો વિરોધ, ગામમાં ફરી રહેલા દીપડાઓને પાંજરે પૂરવાની માંગ

ગીરગઢડા તાલુકાના સણોસરી ગામમાં દીપડાના સતત વધતા ભયના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. શાળા નજીક છેલ્લા ત્રણ દિવસથી ધોળે દિવસે દીપડો દેખાતો હોવાના બનાવો સામે આવ્યા છે. જેના પગલે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું ટાળ્યું હતું. દીપડાના ભય વચ્ચે ગ્રામજનો મંદિર ખાતે એકત્ર થઈ વન વિભાગ સામે રોષ વ્યક્ત કરી ગામમાં ફરી રહેલા દીપડાઓને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી હતી.
સણોસરી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના કુલ 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ચાર દિવસ પહેલા ગામની સીમમાં ખેતરમાં ગોધરાના મજૂર પરિવાર સાથે બનેલી ઘટનામાં ત્રણ વર્ષના બાળકને દીપડો માતા પાસે સૂતેલી સ્થિતિમાંથી ઉઠાવી લઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. બાદમાં વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો.
જોકે, ત્યારબાદ પણ ગામમાં દીપડાની અવરજવર યથાવત્ રહી છે. શાળાથી માત્ર 100 મીટરના અંતરે વાછરડાનું મારણ થયાનું સામે આવ્યું હતું. ઉપરાંત દિવસ દરમિયાન શાળા નજીક દીપડો દેખાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય વધુ ઘેરો બન્યો છે. હાલ વન વિભાગ દ્વારા શાળા નજીક એક પાંજરું મૂકવામાં આવ્યું છે, પરંતુ દીપડો હજુ પણ ગામમાં ધોળે દિવસે ફરતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
વાલીઓનું કહેવું છે કે ગામમાં હજુ 7થી 8 જેટલા દીપડા આંટાફેરા મારતા હોવાની ચર્ચા છે. બાળકોને શાળાએ મોકલવા ઉપરાંત ઘરની બહાર રમવા માટે પણ મોકલવામાં ડર લાગી રહ્યો છે. વાલીઓએ પોતાના કામધંધા છોડીને બાળકોની સુરક્ષા માટે એકત્ર થઈ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
શાળા તરફથી સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ જંગલ બોર્ડર નજીક આવેલા ગામમાં સિંહ અને દીપડાની અવરજવર સામાન્ય બની ગઈ છે, પરંતુ હવે વન્યપ્રાણીઓ માનવ વસાહત અને શાળા નજીક સુધી પહોંચતા હોવાથી બાળકોની સુરક્ષા મોટો પ્રશ્ન બન્યો છે.
ગ્રામજનોએ વન વિભાગ દ્વારા સણોસરી ગામમાં સઘન પેટ્રોલિંગ કરી શાળા તથા રહેણાંક વિસ્તાર નજીક જોવા મળતા દીપડાઓને પાંજરે પૂરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.જ્યારે ગામ ના આગેવાનો માં આક્રોશ એ હદે છે કે અમે હવે સાવજ મળે તો સાવજ ને અને દીપડો મળે તો દીપડા ને અમે શોર્ટ મૂકી મારી નાખીશું આ જન આક્રોશ ગામ માં દરેક લોકો માં જોવા મળતો હતો
ગ્રામજનો મંદિરે એકત્ર થયા એ નિર્ણય કર્યો
આજે સણોસરી ગામના ગ્રામજનો મંદિરે એકત્ર થયા અને વનવિભાગની નીતિરીતિ સામે રોષ વ્યક્ત કરી ગામમાં દીપડાના આંતકથી મુક્ત કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો અને આગામી દિવસોમાં પણ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવશે