Jai Hind

શહેર સહિત જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ અમરેલીમાં છવાઈ ધુમ્મસની ચાદર, શિયાળાની દસ્તક !


વાહનચાલકો પરેશાન, મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોને કાશ્મીર જેવો અનુભવ કર્યો

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતાં પંથકમાં શિયાળાની દસ્તકનો અહેસાસ થયો હતો. ધુમ્મસના કારણે માર્ગો પર વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી, જ્યારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ કાશ્મીર જેવું ઠંડું અને ધુમ્મસભર્યું વાતાવરણ માણ્યું હતું. સવારે 9 વાગ્યા સુધી સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ રહ્યા હતા. બીજી તરફ કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ વચ્ચે ઘઉં-ચણા જેવા શિયાળુ પાક માટે આ વાતાવરણ ફાયદાકારક બનવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી અચાનક ગાઢ ધુમ્મસ છવાઈ જતાં સમગ્ર પંથક જાણે ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ ગયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. મેઘરાવાની વચ્ચે સર્જાયેલા આ ધુમ્મસને પગલે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતાં શિયાળાની ઋતુના આગમનની જાણે છડી પોકારાઈ હોય તેવી અનુભૂતિ લોકોએ કરી હતી.
આજે વહેલી સવારે શહેરના માર્ગો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસના કારણે વાહનચાલકોએ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકો પણ ધુમ્મસથી ઘેરાયેલા વાતાવરણને જોઈને આશ્ચર્યચકિત બન્યા હતા.
રસ્તાઓ અને આસપાસના વિસ્તારો ધુમ્મસથી ઢંકાઈ જતાં કેટલાક લોકોએ અમરેલીમાં જ કાશ્મીર જેવું વાતાવરણ સર્જાયું હોવાની લાગણી વ્યક્ત કરી હતી.
ખાસ કરીને આજે સવારે લાંબા સમય સુધી ધુમ્મસની અસર જોવા મળી હતી. સવારે 9 વાગ્યા સુધી પણ ધુમ્મસના કારણે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને તડકો પણ નીકળ્યો ન હતો. મેઘરાવા અને ધુમ્મસના સંયોજનથી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધતાં શિયાળાની શરૂઆતની અનુભૂતિ થઈ હતી.
જોકે અચાનક સર્જાયેલા ધુમ્મસના કારણે ખેતીવાડી ક્ષેત્રે મિશ્ર અસર જોવા મળી શકે તેવી ખેડૂતોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. હાલમાં ખેતરોમાં કપાસ અને મગફળી જેવા પાક તૈયાર થઈ રહ્યા હોવાથી ધુમ્મસ તથા ભેજના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને લાંબા સમય સુધી ભેજવાળું વાતાવરણ રહે તો પાકમાં રોગચાળો કે ગુણવત્તા પર અસર થવાની શક્યતા અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.