Jai Hind

ઓસરીમાં રમતી 2 વર્ષની નાયરા પર શ્ર્વાનની અચાનક તરાપ, મોઢામાં જકડીને લઈ ગયો!

પરિવારજનોએ શ્ર્વાન પાછળ દોટ મૂકી બાળકીનો જીવ બચાવ્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

આંખ, ગાલ અને ચહેરા પર ગંભીર ઈજા; ખાનગી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાઈ, શ્ર્વાન હડકાયું હોવાની આશંકા

ગીર ગઢડા તાલુકાના ફુલકા ગામમાં શ્વાનના આતંકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરની ઓસરીમાં નિર્દોષ રીતે રમી રહેલી માત્ર બે વર્ષની બાળકી પર અચાનક હિંસક શ્વાને હુમલો કરી તેને મોઢામાં જકડીને ઉઠાવી લઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવારજનોની સમયસૂચકતા અને હિંમત ના કારણે શ્વાનના સિકંજામાંથી બાળકીનો જીવ બચાવવામાં
આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ફુલકા ગામે ધીરુભાઈ બાભા ભાઈ વાઘેલાના ઘરે બપોરના સમયે તેમની બે વર્ષની બાળકી નાયરા શિવાભાઈ વાઘેલા ઘરની ઓસરીમાં રમી રહી હતી. આ દરમિયાન અચાનક એક હિંસક શ્વાન ઘરમાં આવી પહોંચ્યો હતો. કોઈને કંઈ સમજાય તે પહેલાં જ શ્વાને નાયરા પર હુમલો કરી તેને મોઢામાં જકડી લીધી હતી અને ખેંચીને લઈ જવા લાગ્યો હતો.
બાળકીના રડવાનો અવાજ અને પરિવારજનોની નજર પડતાં જ ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. ધીરુભાઈ એ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના શ્વાન પાછળ દોટ મૂકી હતી અને ભારે જહેમત બાદ બાળકી પર શ્વાનનો સિકંજો છૂટાવી તેને બચાવી લીધી હતી. શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી અને લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે બાળકીની ઇજાઓ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ખાનગી તબીબ ડો. વઘાસિયાના જણાવ્યા મુજબ શ્વાનના હુમલામાં બાળકીના આંખ, ગાલ સહિત ચહેરા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજા ઓને પગલે બાળકી પર પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તબીબે બાળકી પર થયેલા હુમલાની ગંભીરતા જોતા હુમલો કરનાર શ્વાન હડકાયું હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં તેમ જણાવ્યું હતું. આ ઘટનાએ માત્ર પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર ફુલકા ગામમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઉના શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા વધી છે. ફુલકાની આ ઘટનાએ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે.
સ્થાનિક લોકો દ્વારા રખડતા અને હિંસક શ્વાનોને નિયંત્રણમાં લેવા તેમજ શ્વાનના વધતા આતંક સામે તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્રએ સક્રિય બનીને રખડતા શ્વાનોને પકડવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવી જોઈએ.