લાંબા સમય બાદ ત્રણ એસી ટ્રેન મળી : સોમવાર, ગુરૂવાર, શનિવારે હરિદ્વાર જવા ટ્રેન મળશે
ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામો દ્વારકા અને સોમનાથથી ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વાર જતાં શ્રદ્ધાળુઓ માટે રેલવે તંત્ર દ્વારા ખૂબ જ આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના વેરાવળ (સોમનાથ) અને ઓખા (દ્વારકા) ને હરિદ્વાર સાથે જોડતી બે નવી સીધી ઓલ-એસી (એસી) ટ્રેન સેવાઓને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. તથા હરિદ્વાર- ઓખા નવી ટ્રેનને મંજુરી અપાઇ છે. આ ત્રણ નવી ટ્રેનને મંજુરી મળતા હવે રાજકોટથી અઠવાડીયામાં 4 દિવસ હરિદ્વાર જવા ટ્રેન મળશે. નવી દિલ્હી ખાતે રેલવે બોર્ડની યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નવી ટ્રેનો શરૂૂ કરવા ઉપરાંત બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ (12216/ 12215) ને પણ હરિદ્વાર સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. નવી શરૂૂ થનારી હરિદ્વાર-વેરાવળ એસી એક્સપ્રેસ (14326/14325) અઠવાડિયામાં બે દિવસ દોડશે. ટ્રેન નંબર 14326 હરિદ્વારથી સવારે 4:00 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 8:15 વાગ્યે વેરાવળ પહોંચશે, જ્યારે ટ્રેન નંબર 14325 વેરાવળથી સવારે 11:05 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 6:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન હરિદ્વારથી દર બુધવાર અને રવિવારે તથા વેરાવળથી દર ગુરુવાર અને સોમવારે ઉપડશે. માર્ગમાં આ ટ્રેનને રૂૂરકી, મુઝફ્ફરનગર, મેરઠ સિટી, ગાઝિયાબાદ, દિલ્હી, રેવારી, ખેરથલ, અલવર, જયપુર, કિસનગઢ, અજમેર, આબુ રોડ, પાલનપુર, રાજકોટ, ગોંડલ, જેતલસર અને જૂનાગઢ જેવા મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. બીજી નવી સેવા હરિદ્વાર-ઓખા એસી એક્સપ્રેસ (14328/14327) સૌરાષ્ટ્ર અને દ્વારકા તીર્થક્ષેત્રને સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચાલશે, જે હરિદ્વારથી દર શુક્રવારે અને ઓખાથી દર શનિવારે રવાના થશે.