કુંભકોણમાં સૌરાષ્ટ્ર મહાસંગમ યોજાયો
તમિલનાડુમાં વસતા અને 1000 વર્ષ પહેલા ભગવાન, સોમનાથ જી ઉપરના વિદેશી આક્રમણ સમયે સ્થળાંતરિત થયેલા સૌરાષ્ટ્રવાસી સમુદાયની પ્રતિનિધિક સંસ્થા સૌરાષ્ટ્ર મધ્ય સભા દ્વારા વિશ્ર્વવિખ્યાત યાત્રાધામ, પ્રાચીન શહેર કુંભકોણમ ખાતે સૌરાષ્ટ્ર મહાસંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ મહાસંગમમાં તામિલનાડુના વિવિધ જિલ્લામાંથી વિવિધ ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સૌરાષ્ટ્ર સમુદાયના અગ્રણીઓ, સાહિત્ય, કલા, ફિલ્મ, ન્યાયતંત્ર, વહીવટી તંત્ર, ઉદ્યોગપતિઓ વ્યાપારી અગ્રણીઓ શિક્ષણ શાસ્ત્રીઓ, પત્રકારો, સંત પરંપરાના પ્રતિનિધિઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. વર્તમાન સમયમાં તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસીઓ નિવાસ કરે છે. સૌરાષ્ટ્ર તામિલ સંગમનો પ્રારંભ સરસ્વતી પૂજન અને જૂની સૌરાષ્ટ્રની સંત પરંપરા આગળ વધારી તામિલનાડુમાં ભજનના માધ્યમથી જાગૃતિ આણનાર સૌરાષ્ટ્રવાસી સંતોને અંજલી સાથે કરવામાં આવ્યો. રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી જાગૃતિ પ્રેરક કાર્યક્રમોના ભાગરૂૂપે મશાલ યાત્રા આયોજિત કરવામાં આવી હતી, પૂર્ણ પ્રજ્વલિત મશાલ સાથે સંગમ સ્થળે યાત્રાળુ આવી પહોંચતા પુરુષોત્તમ રૂૂપાલાના હસ્તે મસાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રાયા ગોવિંદરાજ પરિવારના શ્રીનિવાસ રાયાના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વાગત સમિતિની રચના કરવામાં આવી હતી અને આ પરિવાર દ્વારા પ્રતિનિધિઓનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા રાજકોટના સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના મુજબ 2023માં ગુજરાતના સોમનાથજી ખાતે ખૂબ જ મહત્વપૂર્ણ એવો સૌરાષ્ટ્ર તામિલ સંગમ આયોજિત કરવામાં આવ્યો અને આજે જે પ્રકારે હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ આજના મહા સંગમમાં આવ્યા છે તેનો ઉત્સાહ ઉમંગ અને બુલંદ ઉદઘોષ જોવા મળે છે તેનાથી સ્વાભાવિક જ ગુજરાત સૌરાષ્ટ્રના નિવાસી તરીકે મને ખૂબ જ આનંદ થાય છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સૌરાષ્ટ્ર સમુદાય સાથે નિયમિત સંપર્ક દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનમાં મુખ્ય માર્ગદર્શકની ભૂમિકા ભજવનના કમલેશ જોષીપુરા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતીભાષા સાહિત્ય ભવનના ઈશ્ર્વરભાઈ દવે દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ ઉપર ખૂબ જ સારું સંશોધન અને તેના આધાર ઉપર આધારભૂત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જે આપણા માટે ગૌરવ છે 2005ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિધિવત રીતે સૌરાષ્ટ્રવાસીઓની ગર્ભનાડ સૌરાષ્ટ્ર સાથે જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને તેની અંદર વિદેશમાં વસતા આપણા સૌરાષ્ટ્રવાસીઓએ ખાસ ઊંડો રસ દાખવ્યો તેના પરિપથ રૂૂપે નિયમિત રીતે તાંજાવૂર પેઇન્ટિંગ, વ્યાકરણ સૌરાષ્ટ્ર ભાષા અને ગુજરાતી ભાષાના સમાનાર્થી શબ્દો સહિત અનેક ક્ષેત્રોમાં નિયમિત રીતે સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમો આયોજિત થાય છે અને સૌરાષ્ટ્રવાસી યુવા મિત્રો પણ અવારનવાર ગુજરાત સૌરાષ્ટ્રની મુલાકાતે આવે છે અને ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.