વીજ પુરવઠો નિયમીત નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની ધાંધિયાભરી પરિસ્થિતિને કારણે ખેડૂતોની હાલાકીનો પાર રહ્યો નથી. ગ્રામીણ વિસ્તારોને જોડતા વીજ ફીડરોમાં વારંવાર સર્જાતા ટેકનિકલ ફોલ્ટ અને વીજ કાપની ગંભીર સમસ્યાથી કંટાળીને ગઈકાલે મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિક ખેડૂતોએ જેસર સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (ઙૠટઈક)ની કચેરીનો ઘેરાવ કરી આક્રોશપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ફીડરોમાં અવારનવાર ફોલ્ટ સર્જાવાને કારણે દિવસ દરમિયાન કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. હાલ ખેતીની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં અને યોગ્ય પ્રેસરથી વીજળી ન મળતા ઊભા પાકને સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. વારંવાર વીજળી ગુલ થઈ જવાથી પંપસેટ અને ખેતીના સાધનો બળી જવાના બનાવો પણ વધી રહ્યા છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ અંગે કચેરીનો ઘેરાવ કરી રહેલા ખેડૂતોએ ઙૠટઈકના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરતા માંગ કરી હતી કે, ગ્રામ્ય વિસ્તારના જર્જરિત વીજ ફીડરો અને વાયરોનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ ખેતીવાડી માટે નિયમિત, પૂરતો અને તબક્કાવાર યોગ્ય વોલ્ટેજવાળો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે. અવારનવાર સર્જાતા વીજ ફોલ્ટની આ કાયમી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા ખેડૂત આગેવાનોએ ભારપૂર્વક અપીલ કરી હતી. વધુમાં, ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા આ સમસ્યાનો સત્વરે અને કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં જેસર તાલુકાના તમામ ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને સાથે રાખીને ઙૠટઈક તંત્ર સામે વધુ ઉગ્ર અને ચક્કાજામ જેવા આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે.