‘દ્રશ્યમ’ને પણ પાછળ રાખી દે તેવી ઘરના ઘાતકીઓની રિયલ ક્રાઈમ સ્ટોરી
ખેતીની જમીન મૃતક મહેશભાઈ ઉર્ફે ડફલી પ્રેમિકાને આપી દેશે તેવી આશંકાએ પરિવારના સભ્યોએ ગળુ દબાવી દોરડુ બાંધી આપઘાતનું નાટક કરી લાશનો બારોબાર અગ્નિ સંસ્કાર પણ કરી નાખેલો
ચુડા તાલુકાના કોરડા ગામે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવેલા બનાવમાં ચુડા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં આત્મહત્યા નહીં પરંતુ મહેશભાઈ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરાની હત્યા કરી ત્યારબાદ સમગ્ર ઘટનાને આત્મહત્યાનો બનાવ હોવાનું દર્શાવવા માટે નાટક રચવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે મૃતકના પરિવારના જ છ સભ્યોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મહેશભાઈને દારૂ પીવાની ટેવ હતી અને દારૂના નશામાં તેઓ ઘર પરિવારના સભ્યો સાથે ઝઘડો કરી ગાળો આપતા હોવાની હકીકત સામે આવી હતી. બીજી તરફ રાજકોટ ખાતે રહેતી એક અન્ય જ્ઞાતિની મહિલા સાથે મહેશભાઈનો પ્રેમસંબંધ હોવાની પણ માહિતી પોલીસને મળી હતી. મહેશભાઈનો આ સંબંધ પરિવારના સભ્યોને પસંદ નહોતો. ઉપરાંત મહેશભાઈના ભાગે આવતી ખેતીની જમીન તેઓ પોતાની પ્રેમિકાને આપી દેશે તેવી પરિવારના સભ્યોને શંકા હોવાના કારણે વિવાદ વધુ ગંભીર બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. . પોલીસને મળેલી બાતમી અનુસાર આરોપીઓએ ભેગા મળી મહેશભાઈને પકડી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ તેમને ઘરના રૂમમાં લઈ જઈ ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ બનાવની જાણ ગામમાં કે મહેશભાઈની પ્રેમિકાને થઈ જશે અને પોલીસ ફરિયાદ થશે તેવી ભીતિથી પરિવારના સભ્યોએ સમગ્ર ઘટનાને આત્મહત્યાનો રંગ આપવાનું કાવતરું રચ્યું હોવાની પોલીસને માહિતી મળી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓએ મહેશભાઈના ગળે દોરડું બાંધી તેને રૂમની છતના નકુચા સાથે બાંધી દીધા હતા, જેથી મહેશભાઈએ પોતે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોય તેવું દૃશ્ય ઊભું કરી શકાય. ત્યારબાદ પરિવારના સભ્યોએ દેકારો કરી આસપાસના લોકોને મહેશભાઈએ પોતાના રૂમમાં જાતે જ ગળેફાંસો ખાધો હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, લાશને નીચે ઉતારી તે જ દિવસે ગામમાં અગ્નિસંસ્કાર કરી અંતિમવિધિ પણ કરી નાખવામાં આવી હતી અને સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી નહોતી. આ શંકાસ્પદ બનાવની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ચુડા પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઙઈ કૃણાલસિંહ ઝાલા અને ઙઈ ભરતભાઈ સભાડને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે મરણજનારના પરિવારના શકમંદ સભ્યોને હસ્તગત કર્યા હતા. ત્યારબાદ સઘન પૂછપરછ કરવામાં આવતા આરોપીઓ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હોવાનું અને તેમણે કરેલા ગુનાની કબૂલાત આપી હોવાનું જણાવાયું છે. આ પછી હત્યામાં સંડોવાયેલા છ પરિવારજનોને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ચુડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા અને ચુડા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં નીચેના છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા મૃતકના ભાઈ, ઘનશ્યામભાઈ ભૂપતભાઈ રોજાસરા મૃતકના કુટુંબી ભાઈ, નિલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા મૃતકનો ભત્રીજો, મધુબેન વા/ઓ લાખાભાઈ રોજાસરા મૃતકની માતા, 5. સુરતીબેન ઘનશ્યામભાઈ રોજાસરા મૃતકની ભાભી, હેતલબેન વા/ઓ સુરેશભાઈ રોજાસરા મૃતકની ભાભીનો સમાવેશ થાય છે.
સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં કઈઇ ઙઈં બી. એચ. શીંગરખીયા, ઙજઈં આર. જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઙજઈં એન. એ. રાયમા તથા તેમની ટીમે મહત્વની કામગીરી કરી હતી. તપાસમાં અજઈં અમરકુમાર ગઢવી સહિત કઈઇના સ્ટાફે સહયોગ આપ્યો હતો. આ ઉપરાંત ચુડા પોલીસ સ્ટેશનના ઙઈં એસ. એન. પટેલ, ઙજઈં એન. એ. ડાભી તથા ચુડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ સમગ્ર તપાસમાં કામગીરી કરવામાં આવી હતી.
પોલીસની આ કાર્યવાહીથી કોરડા ગામના શંકાસ્પદ આત્મહત્યાના બનાવ પાછળ છુપાયેલો હત્યાનો ભેદ બહાર આવ્યો છે અને હવે કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.