Jai Hind

સણોસરીમાં બીજા દિવસે પણ દીપડાનો આતંક, શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓને વાલીઓ પરત લઈ ગયા!

શાળા ગેટ નજીક ફરી દીપડો દેખાતા ફફડાટ; 55 વિદ્યાર્થીઓના અભ્યાસ પર બ્રેક, વાલીઓનો સ્પષ્ટ નિર્ણય પહેલા દીપડાનો નિકાલ કરો, પછી જ બાળકોને શાળાએ મોકલીશું

ગીરગઢડા તાલુકાના સણોસરી ગામમાં દીપડાનો ભય હવે સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ભારે પડ્યો છે. ગામમાં દીપડાની વધતી અવરજવર વચ્ચે આજે ફરી શાળા નજીક દીપડો દેખાતા વિદ્યાર્થી ઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળાએ લાવ્યા હતા, પરંતુ દીપડો શાળાના ગેટ નજીક દેખાયો હોવાની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા હતા અને પોતાના બાળકો ને શાળામાંથી પરત ઘરે લઈ ગયા હતા.
સણોસરી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના કુલ 55 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા બે દિવસથી દીપડાના ભયના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. વાલીઓમાં એવો ભય છે કે શાળાએ મોકલેલા બાળકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સણોસરીમાં અગાઉથી જ દીપડાની અવરજવરથી ભયનો માહોલ હતો. આજે બીજા દિવસે પણ શાળા નજીક દીપડો દેખાતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. શિક્ષકો દ્વારા બાળકોને શાળાએ લાવવામાં આવ્યા હતા, પરંતુ વાલીઓને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા.
વાલીઓએ બાળકો ની સુરક્ષાને પ્રાથમિકતા આપી તેમને પરત ઘરે લઈ ગયા હતા. પરિણામે શાળામાં શિક્ષણકાર્ય ફરી એક વખત ખોરવાયું હતું. વાલીઓમાં ભારે રોષ સાથે સ્પષ્ટ માંગ ઉઠી છે કે જ્યાં સુધી શાળા અને રહેણાંક વિસ્તારની આસપાસ ફરી રહેલા દીપડાઓ સામે અસરકારક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવામાં નહીં આવે. વાલીઓનું કહેવું છે કે બાળકોને શિક્ષણ આપવું જરૂરી છે, પરંતુ તેમના જીવના જોખમે શાળાએ મોકલીશકાય નહીં.
દીપડો હવે ખેતર કે ગામની સીમ સુધી મર્યાદિત રહ્યો નથી અને શાળાના ગેટ સુધી પહોંચી ગયો છે, ત્યારે તંત્રએ ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ સણોસરીની હાલની સ્થિતિને વધુ ગંભીર બનાવતી ઘટના થોડા દિવસ પહેલાં બની હતી. ગામની સીમમાં ખેતરમાં ગોધરાના મજૂર પરિવાર સાથે બનેલી ઘટનામાં ત્રણ વર્ષના બાળકને દીપડો માતા પાસે સૂતેલી સ્થિતિ માંથી ઉઠાવી ગયો હતો.
આ દુ:ખદ ઘટનાએ સમગ્ર ગામને હચમચાવી નાખ્યું હતું.ત્યારબાદ વન વિભાગ દ્વારા એક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. જોકે, ગ્રામજનોનું કહેવું છે કે ત્યાર બાદ પણ ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર અટકી નથી.

પાંજરું મૂકાયું, પરંતુ શાળાની આસપાસ ભય યથાવત્

વન વિભાગ દ્વારા શાળા નજીક પાંજરું મૂકવામાંઆવ્યું છે. છતાં દીપડો શાળા ગેટ સુધી દેખાતા ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ અને આસપાસના વિસ્તારમાં 7થી 8જેટલાદીપડા હોવાની ચર્ચા છે,ગ્રામજનોની માંગ છે કે માત્ર પાંજરું મૂકીને કામગીરી પૂર્ણ ન ગણવામાં આવે, પરંતુ શાળા અને રહેણાંક વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાંઆવે અને લોકોને જોખમમાં મૂકતા દીપડાઓને પાંજરે પૂરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

દીપડાના ભયે બાળકોનું ભણતર અટક્યું

સણોસરીમાં હવે સૌથી મોટો પ્રશ્ન માત્ર વન્યપ્રાણીનો નથી, પરંતુ બાળકોના શિક્ષણનો પણ બની ગયો છે. સતત બીજા દિવસે દીપડાના ભયથી શાળામાં વિદ્યાર્થી ઓની હાજરી અને શિક્ષણકાર્યને અસર થતાં વાલીઓ ચિંતિત બન્યા છે.શાળા તરફથી સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે વાલીઓ અને ગ્રામજનોની નજર વન વિભાગની આગામી કાર્યવાહી પર છે