Jai Hind

હંમેશા સત્યનું આચરણ કરવું : આચાર્ય દેવવ્રતજી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં 132 ગોલ્ડ મેડલ, 45,924 છાત્રોને પદવી એનાયત કરી

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં 61મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ કોઈપણ યુનિવર્સિટી માટે અત્યંત વિશેષ દિવસ હોય છે, કારણ કે વાલીઓએ જે આશા સાથે પોતાના સંતાનોને ગુરુજનોને સોંપ્યા હતા, તે ઉદ્દેશ્ર્ય આજે પૂર્ણ થયો છે. તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતાની સાથે જ હવે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી તરફ આગળ વધવાનો સમય આવી ગયો છે.સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું સાચું પ્રમાણ છે. આ વેળાએ રાજ્યપાલએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રોડ નેટવર્ક, રેલવે સિસ્ટમ, આધુનિક રેલવે સ્ટેશનો, વંદે ભારત ટ્રેન અને બુલેટ ટ્રેન જેવા માળખાકીય સુધારાઓથી સકારાત્મક પરિવર્તન થઈ રહ્યું છે. સાયન્સ ટેકનોલોજી, સ્પેસ, વિમાન, હેલિકોપ્ટર અને આયુધ નિર્માણ ક્ષેત્રે ભારત હવે નિકાસકાર દેશ બની રહ્યો છે. દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. પસત્યં વદ, ધર્મં ચર…થ નો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે યુવાનોને આહ્વાન કર્યું હતું કે, હંમેશા સત્યનું આચરણ કરવું, કર્તવ્યનું પાલન કરવું, જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરવી અને મેળવેલી વિદ્યાને માનવતાના કલ્યાણ તેમજ રાષ્ટ્રના ઉત્થાન માટે ઉપયોગમાં લેવી જોઈએ. માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે આદરભાવ જાળવી રાખવો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. તેમણે તમામ ડિગ્રીધારીઓને પ્રામાણિકતા અને પરાષ્ટ્ર પ્રથમથના ભાવ સાથે કાર્ય કરવા પ્રેરણા આપી હતી. આ તકે રાજ્યપાલએ એનાયત કરાયેલા 132 ગોલ્ડમેડલ પૈકી 105 ગોલ્ડ મેડલ મેળવનારી વિદ્યાર્થીનીઓને વિશેષરૂૂપે બિરદાવીને તેમાંથી પ્રેરણા લેવા યુવકોને અનુરોધ કર્યો હતો. આ અવસરે શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, યુવાનો ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનારા છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને નવી શિક્ષણ નીતિના અમલથી શિક્ષણને જીવનલક્ષી, કૌશલ્યલક્ષી અને સર્વાંગી વિકાસ સાથે જોડવામાં આવ્યું છે. જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ, બેંગલુરુના વૈજ્ઞાનિક અને પ્રેસિડેન્ટ પ્રોફેસર કે. એસ. નારાયણે જણાવ્યું હતું કે, ડિગ્રી મળવી એ નવી શરૂૂઆત છે. વિકસિત ભારત-2047ના નિર્માણમાં આજના યુવાનોની ભૂમિકા નિર્ણાયક રહેશે. ભારતની અવકાશ સિદ્ધિઓ, યુ.પી.આઇ. અને સ્ટાર્ટઅપના સહારે ભારત હવે માત્ર ટેક્નોલોજીનો ઉપયોગ કરનારો નહીં, પરંતુ નવી ટેક્નોલોજીનું સર્જન અને નેતૃત્વ કરનારો દેશ બની રહ્યો છે. આ તકે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા સહિત યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આભારવિધિ ડો.ધિરેન પંડયાએ કરી હતી.

આજે બેડી યાર્ડમાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાશે : રાજ્યપાલ
રાજકોટ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તારીખ 09 ઓક્ટોબરના રોજ સવારે 9:30 કલાકે, બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પરિસંવાદ કરશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, રાજકોટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને જાગૃતિ અર્થે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદના અધ્યક્ષસ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહીને ખેડૂતમિત્રોને માર્ગદર્શન પૂરું પાડશે. આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ધરતી માતાને રસાયણમુક્ત બનાવવા અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો પ્રસાર કરવાનો છે.