અરજદારોને રૂબરૂ સાંભળી પ્રશ્ર્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈજીપી તરુણ દુગ્ગલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશન ખાતે આવેલા અરજદારોને રૂબરૂ સાંભળી તેમની રજૂઆતો જાણી હતી. આ ઉપરાંત રાણપુર પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા આઈજીપી તરુણ દુગ્ગલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.મુલાકાત દરમિયાન આઈજીપી તરુણ દુગ્ગલે પોલીસ સ્ટેશનની કામગીરી અંગે વિગતો મેળવી હતી તેમજ અરજદારોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળી તેમની સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નાગરિકોને પોલીસ વિભાગ તરફથી સમયસર અને અસરકારક સેવા મળી રહે તેમજ લોકોની ફરિયાદો અને રજૂઆતોનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં પોલીસ તંત્રની કામગીરીનું મહત્વ રહેલું છે.પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અને પોલીસની કામગીરીમાં જવાબદારી તથા કાર્યક્ષમતા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.