મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લીધો સરકારી સેવાઓનો લાભ
સુત્રાપાડા સ્થિત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે સુત્રાપાડા નગરપાલિકા કક્ષાના 12મા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સુત્રાપાડાના વતની અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા મોટી સંખ્યામાં નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના વહીવટમાં પારદર્શિતા વધે, નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો અને અરજીઓનો ઝડપી નિકાલ થાય તથા સરકારી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સરકારી સેવાઓ માટે નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને એક જ સ્થળેથી વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે આ કાર્યક્રમની વિશેષતા છે
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત તા. 5 નવેમ્બર, 2016ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહ્યો છે અને તેમની રજૂઆતોના નિકાલ માટે અસરકારક વ્યવસ્થા ઊભી થઈ છે. સેવા સેતુના વિવિધ તબક્કાઓ દ્વારા કરોડો અરજીઓ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી ગોસાઈ, જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી અનિલભાઈ જેઠવા, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ કાળાભાઈ બારડ, ઉપપ્રમુખ વજુભાઈ પંપાણીયા, કારોબારી ચેરમેન નરેશભાઈ કામળિયા સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ શૂરાસિંહભાઈ મોરી, મહામંત્રી સિદ્ધરાજ રાઠોડ, અમરસિંહ મેર, કોળી સમાજના આગેવાન રામભાઈ પટેલ, હરેશભાઈ કામલીયા, દિનેશભાઈ કામળીયા, વિજયભાઈ કાછેલા,જેસિંગભાઈ બારડ,રાહુલભાઈ ઠકકર, રાહુલભાઈ વાણવી જાદવભાઈ વાણવી સહિત નગરપાલિકાના કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.