Jai Hind

ખેતીની જમીન, ભૂગર્ભ જળસ્તર બચાવવા છ ગામના ખેડૂતોના સંકલ્પ

સિંગસર માઈન્સ વિવાદ મૂદે્ રાખેજ ગામે ખેડૂતોની બેઠક યોજાઈ

સૂત્રાપાડા તાલુકાના સિંગસર ગામ નજીક આવેલી અદાણી સિમેન્ટ કંપનીની માઇન્સમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચવામાં આવતું હોવાના મુદ્દે આસપાસનાં છ ગામોના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ મુદ્દે ખેડૂતોના હિતો અને ખેતીની જમીનના સંરક્ષણ માટે શનિવાર, તા. 10 ઓક્ટોબર, 2026ના રોજ રાખેજ ગામની કારડીયા રાજપૂત સમાજ વાડી ખાતે ખેડૂતોની અગત્યની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાખેજ, કણજોતર, મટાણા, ધામળેજ, સિંગસર અને થોરડી ગામના ખેડૂતો, આગેવાનો તથા જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં માઇન્સમાંથી પાણી ખેંચવાની કામગીરીને કારણે ભૂગર્ભ જળસ્તર પર થતી સંભવિત અસરો, ખેતીની જમીન અને ખેડૂતોના ભવિષ્ય અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતી અને પશુપાલન માટે પાણી અત્યંત જરૂરી છે. જો ભૂગર્ભ જળસ્તર પર પ્રતિકૂળ અસર થશે, તો ખેડૂતોને ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી જમીન અને પાણીના સંરક્ષણ માટે તમામ ગામના ખેડૂતોએ એકજૂથ થઈને પોતાના હિતમાં અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન ખેડૂત એકતા મજબૂત બનાવવા અને આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ‘જમીન બચાવો, પાણી બચાવો અને ખેડૂત બચાવો’ના સંકલ્પ સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તે માટે સંગઠિત પ્રયાસો કરવાની અપીલ કરવામાં આવી હતી. તથા બેઠકમાં ખેડૂત એકતા જિંદાબાદ! જય જવાન, જય કિસાનના નારા લાગ્યા હતા.