Jai Hind

દુષ્કાળની પરિસ્થિતિમાં વ્યથિત ગ્રામજનોએ ‘આપ’ને પસંદ કર્યો

ખંભાળિયાની ભાડથર બેઠક પર સત્તા પલટો: “આપનો 3651 મતની લીડથી ભવ્ય વિજય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે યોજાઈ ગયેલા મતદાન બાદ આજરોજ અહીંના જિલ્લા પંચાયત ભવનમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં મત ગણતરીના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુભાઈ કંડોરીયા તેમના ભાજપના હરીફ ઉમેદવાર માલતીબેન કંડોરીયા કરતા 3651 મતની જંગી લીડ મેળવીને વિજેતા બન્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 3, ભાડથર બેઠકના સદસ્ય ડો. પી.વી. કંડોરીયાના થોડા સમય પૂર્વે થયેલા અવસાનના કારણે ખાલી પડેલી આ બેઠક માટે રવિવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં થયેલા મતદાન પૂર્વે છેલ્લા કેટલાક દિવસોથી ભારે રસાકસી અને ખેંચતાણભર્યો માહોલ સર્જાયો હતો. ખંભાળિયા તાલુકાની ભાડથર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ કુલ 3 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.
મહત્વની બાબતો એ છે કે આ મત ગણતરી પ્રક્રિયાના પ્રારંભથી જ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરાભાઈ કારાભાઈ કંડોરીયા તેમના મહત્વના પ્રતિસ્પર્ધી ભાજપના માલતીબેન પરબતભાઈ કંડોરીયાથી સતત આગળ ચાલ્યા હતા. સાત રાઉન્ડમાં યોજાયેલી મત ગણતરીના અંતે આપના વિરુભાઈ કંડોરીયાને 7146 મત, જ્યારે ભાજપના માલતીબેન કંડોરીયાને 3495 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આલાભાઈ ફોગાભાઈ પિંડારિયા અને માત્ર 521 મત મળ્યા હતા. આ ઉપરાંત “નોટા”માં પણ 99 મત પડ્યા હતા. ચર્ચાતી વિગત મુજબ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખૂબ જ નહીવત વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતોની સ્થિતિ વિકટ છે. ત્યારે સરકાર દ્વારા પૂરતા પગલાં લેવાના ન આવ્યા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ સત્તા પરિવર્તન ઈચ્છતા “આપ”ના ઉમેદવારને વિજેતા બનાવ્યા છે. આજના આ અણધાર્યા પરિણામોથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. સાથે સાથે ભાજપમાં પણ સોંપો પડી ગયો છે.