Jai Hind

પડધરીના ધુળીયા દોમડામાં લગ્નના એક જ મહિનામાં નવોઢાનો ઝેર પી આપઘાત

લોધીકાના રાવકી ગામે આર્થીક ભીંસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પીધી

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા ધૂળિયા દોમડાં ગામમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 28 વર્ષીય રિનાબેન અજયભાઈ નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં જ તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રિનાબેનના આ બીજા લગ્ન હતા અને લગ્નને હજુ માંડ એક મહિનો જ થયો હતો. ઘટનાના થોડા સમય પહેલાં જ તેમનો પતિ સાથે કોઈ બાબતે ઝઘડો કે બોલાચાલી થઈ હતી. મૃતક મહિલાને તેમના આગલા ઘરના બે સંતાનો પણ છે, જ્યારે તેમના પતિ વ્યવસામે ખેતમજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક મહિનાના ટૂંકા ગાળામાં જ દાંપત્યજીવનનો આવો કરુણ અંત આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આપઘાતનો બીજો બનાવ લોધિકા તાલુકાના રાવકી ગામે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આર્થિક સંકટથી પરેશાન થઈને એક યુવાન આત્મઘાતી પગલું ભર્યું છે. રાવકી ગામમાં રહીને મજૂરી કામ કરતા 19 વર્ષીય અરુણભાઈ બાજીરભાઈ મેતા નામના યુવકે પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, અરુણભાઈ પોતાના પરિવારમાં બે ભાઈ અને ચાર બહેનોમાં સૌથી મોટા હતા. પરિવારની જવાબદારી તેમના પર હોવાથી તેઓ પોતાના વતનમાં રૂૂપિયા મોકલવા માંગતા હતા. પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક ભીંસ અને નાણાંની સગવડ ન થવાના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા અને આખરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.