અમરેલી જિલ્લામાં ખુલ્લા કૂવા વન્યજીવો માટે જોખમી બન્યા !
વનવિભાગે જીવના જોખમે રેસ્ક્યૂ કરી સિંહબાળને બચાવ્યું, પરિવાર સાથે કરાવ્યું પુન:મિલન
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓની સુરક્ષા સામે ખુલ્લા કૂવાઓનો ખતરો ફરી એક વખત સામે આવ્યો છે. સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામે આવેલી હકાભાઈ ઝીંઝાળાની વાડીમાં એક વર્ષનું સિંહબાળ ખુલ્લા કૂવામાં ખાબકતાં વનવિભાગમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા વનવિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ સિંહબાળને કૂવામાંથી હેમખેમ બહાર કાઢી ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા તેના પરિવાર પાસે સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભેંકરા ગામની સીમમાં આવેલી હકાભાઈ ઝીંઝાળાની વાડીના ખુલ્લા કૂવામાં અંદાજે એક વર્ષનું સિંહબાળ ખાબક્યું હતું. કૂવામાં સિંહબાળ ખાબાકિયાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહબાળને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
રેસ્ક્યૂ દરમિયાન વનવિભાગ દ્વારા પીજરું કૂવામાં ઉતારી સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સિંહબાળ પાંજરામાં ન આવતાં રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ હતી. અંતે વનવિભાગની ટીમે દોરડાની મદદથી સિંહબાળને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. જોખમી પરિસ્થિતિમાં હાથ ધરાયેલી આ કામગીરી બાદ સિંહબાળનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
ત્યારબાદ ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહ બાળને સલામત રીતે તેના પરિવાર પાસે મુક્ત કરવામાં આવ્યું હતું. આમ, વનવિભાગની સમયસૂચકતા અને જહેમતથી એક વર્ષના સિંહબાળને નવજીવન મળ્યું હતું અને સિંહપરિવાર સાથે તેનું પુન:મિલન કરાવવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં સિંહો અને અન્ય વન્યપ્રાણીઓની અવરજવર ધરાવતા વિસ્તારોમાં ખુલ્લા કૂવાઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વાડી-ખેતરોમાં સુરક્ષાની વ્યવસ્થા વિના ખુલ્લા રહેતા કૂવાઓમાં વન્ય પ્રાણીઓ ખાબકવાની ઘટનાઓ ચિંતાજનક છે. આવી ઘટનાઓ અટકાવવા જોખમી કૂવાઓને સુરક્ષિત કરવા માટે અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત ફરી એક વખત ઊભી થઈ છે.
